જી.કે. જન. અદાણી હોસ્પિ. ની બ્લડ બેન્કે રક્ત પૂરું પાડ્યું તો બાળ વિભાગે આપી સઘન સારવાર

અધૂરા મહિને જન્મેલા નવજાતને ૩૬ રક્ત કંપોનેન્ટ બોટલ ચડાવી દોઢ મહિનાની સારવાર અંતે મળ્યું જીવતદાન

જો કોઈપણ દર્દીને અણીના સમય લોહી પ્રાપ્ત થઈ જાય તો તેની જિંદગી બચી જાય છે અને તેના સીધા યશના ભાગીદાર તબીબોની સાથે રક્ત દાતાઓ પણ હોય છે.આવો જ એક નવો જીવનકાળ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં નવજાતને મળ્યો હતો.

હોસ્પિટલમાં અધૂરા મહીને બાળક જન્મ્યું. ઓછા વજન સાથે શ્વાસ, એનીમિયા તેમજ કમળા જેવી અનેક તકલીફ હતી. બાળરોગ વિભાગમાં સારવાર માટે દાખલ કરાયો પણ નવજાતને બચાવવું હોય તો લોહીના વિવિધ ઘટકો સાથેની બોટલો આવશ્યક હતી અને એ કામ જી.કે હોસ્પિટલની બ્લડબેંક વિભાગે કર્યું.

હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાનીના જણાવ્યા મુજબ, નવજાતમાં ખૂટતા લોહીના ઘટકો જેવા કે પી.સી.વી. પ્લેટલેટ અને એફ.એફ.પી. બ્લડ કંપોનેન્ટવાળી જુદા જુદા સમયે અને દિવસે ૩૬ જેટલી બોટલો મેળવી બાળકને આપતા તેને લાગેલા ચેપ,કમળો અને લોહીના ઉણપની સમસ્યા તબક્કાવાર દૂર કરી સાથે વેન્ટિલેટર,આઇ.સી.યુ. સહિતની લગભગ દોઢ મહિના જેટલી નિશુલ્ક સારવાર બાદ તેને જીવનદાન આપ્યું. આમ રક્તની અતિ જરૂરિયાત હોય એવા નવજાતને જીવતદાન મળ્યું.

જી.કે.જનરલ હોસ્પિટલ દ્વારા અત્રે રક્તની કોઈપણ ક્ષણે આવશ્યકતા ઊભી થાય એ માટે બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓ મારફતે રક્ત એકત્રિત કરવામાં આવે છે.બ્લડ બેંકના હેડ ડો.જીજ્ઞાબેન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ વિતેલા નવે. માસમાં ૭૩૭ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું,જે સ્થાનિક ઇન હાઉસ અને જિલ્લામાં વિવિધ ૫ સ્થળોએ કેમ્પનું આયોજન કરી  બ્લડ બેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી હતી.

જી.કે.ના ઇમરજન્સી,સ્ત્રીરોગ,બાળરોગ,સર્જરી તેમજ થેલેસેમિયા જેવા વિભાગોમાં સારવાર લેતા દર્દીઓને અવારનવાર લોહીની જરૂરિયાત હોય છે,તેથી રક્તદાન કરવાની અપીલ બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે કરી હતી.

Leave a comment

Trending