કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાની સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ તેમની સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી મતદાન થયું. જો કે, મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં મતદાન શરૂ થતાં જ વિપક્ષે આનો બહિષ્કાર કર્યો હતો.
મતદાન બાદ લોકસભા સ્પીકરે મહુઆ મોઇત્રા વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. લોકસભામાંથી તેમની હકાલપટ્ટી બાદ મહુઆએ કહ્યું કે લોકસભાની એથિક્સ કમિટીએ મને ઝુકાવવા માટે બનાવેલા પોતાના રિપોર્ટમાં દરેક નિયમ તોડ્યા છે.
આ પહેલાં પણ ચર્ચા દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવા દીધા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમને પેનલની બેઠકમાં બોલવાનો મોકો મળ્યો હતો.
અગાઉ, શુક્રવારે (8 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરાયેલ એથિક્સ કમિટીના અહેવાલમાં, તેમણે મહુઆનું સંસદ સભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી અને કાયદાકીય તપાસની માગ કરી હતી. જો કે, TMCએ માગ કરી હતી કે 500 પાનાનો રિપોર્ટ વાંચવા માટે 48 કલાકનો સમય આપવામાં આવે.
ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ ચાર મિનિટ પછી તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે એથિક્સ કમિટીના ચેરમેન વિજય સોનકરે રિપોર્ટ રજૂ કર્યો. આ મુદ્દે લોકસભામાં ત્રણ વખત હોબાળો થયો હતો. કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. મહુઆની હકાલપટ્ટી માટે ત્રીજી વખત બપોરે 2 વાગ્યે મતદાન થયું હતું.
મોઈત્રાએ સંસદમાં પ્રશ્ન પુછવા ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી !
ઉલ્લેખનિય છે કે, BJP સાંસદ નિશિકાંત દુબે (Nishikant Dubey)એ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઓક્ટોબરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)ને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી.
શું છે મામલો?
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદના આરોપો બાદ મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા હતા.






Leave a comment