માંડવી બીચ ખાતે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવહી

માંડવી શહેરના રમણીયા બીચ ખાતે લારી ગલ્લા અને પાણીની પ્રવૃત્તિ કરતા ધંધાર્થીઓ દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલા હંગામી દબાણો આજે કચ્છ કલેકટરની સૂચનાના પગલે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્રએ શરૂ કરી છે. ભારે પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્થાનિક ધંધાર્થીઓ દ્વારા આ મામલે કાયમી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે વહીવટી તંત્રએ નિર્ધારિત સમયે દબાણ હટાવ કામગીરી શરૂ કરી દીધી છે.

કચ્છ કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ માંડવી પ્રાંત અધિકારી અર્શ હાશ્મી, મામલતદાર વિનોદ ગોકલાણી, માંડવી નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે માંડવી બીચ ખાતે સરકારી જમીન ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે આજ વહેલી સવારથી 12 જેટલા કન્ટેનર તથા 137 જેટલા નાના-મોટા દુકાનો લારી ગલ્લા વોટર સ્પોર્ટ્સને લગતી દબાણ દૂર કરવાની કાર્યવાહી આરંભી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહીમાં કોઈ અણ બનાવ ન બને તેમજ ઇલેક્ટ્રિસિટીનો અકસ્માત ન બને તે માટે સૌપ્રથમ વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે દબાણકર્તાઓની ચીજ વસ્તુનું નુકસાન ન થાય તે માટે અગાઉથી ત્રણ દિવસ પહેલા મામલતદારની ટીમ દ્વારા રૂબરૂ જઈને દબાણ દૂર કરવા બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા તથા ઓટોરિક્ષામાં તે બાબતનું લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ પણ કરવામાં આવ્યું હતું.દબાણ હટાવ કામગીરી ના પગલે લોકોની ભારે ભીડ બીચ ખાતે જમા થઈ હતી.

Leave a comment

Trending