– શિયાળામાં સોરિયાસિસ સમા સ્કિન રોગ આળસ મરડીને બેઠા થાય છે
– તબીબોએ સૂચવ્યા સોરિયાસિસના લક્ષણો,સારવાર અને ઉપાય
શિયાળામાં ચામડીના કેટલાક રોગ જે અગાઉ સુષુપ્ત અવસ્થામાં હોય એ આળસ મરડીને બેઠા થાય છે, જેમાં સોરિયાસીસ ચામડીનો એક એવો રોગ છે જે વધુ પ્રમાણમાં જોવા મળે છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સ્કિન વિભાગમાં આ રોગના દર્દીઓની સંખ્યા આ ઋતુમાં ક્રમશ: વધે છે.
સોરિયાસિસમાં ચામડી ઉપર લાલ રંગના ચાઠાં પડે છે, જેમાં સફેદ પાપડી જામી જાય છે. સામાન્ય રીતે હથેળી, પગના તળિયા, કોણી,ઘૂંટણ, માથામાં અને કમર ઉપર ખાસ જોવા મળે છે. જો નિયમિત સારવાર ન લેવાય તો આ બીમારી શરીરમાં વધુ ફેલાઈ શકે છે. અને ક્યારેક ગંભીર રોગમાં પણ પરિણમે છે.એમ સ્કિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.જૂઈ શાહે જણાવ્યું હતું.
હોસ્પિટલના સિની.રેસિ. ડો. ઐશ્વર્યા રામાણીના જણાવ્યા મુજબ આ રોગ માટે ક્લિનિકલ સારવાર તો ઉપલબ્ધ છે,પરંતુ સાથે સાથે ગંભીર પ્રકારનો સોરિયાસીસ હોય તો લાઇટ થેરાપી(પ્રકાશ સારવાર) પણ હોસ્પિટલમાં ખાસ ઉપકરણ પુવા ચેમ્બર વડે અપાય છે જેમાં સૂર્યપ્રકાશના ખાસ યુવિએ કિરણો દ્વારા ઉપચાર થાય છે.
હોસ્પિટલના સિનિયર રેસિડેન્ટ ડો. દિપાલી વડુકુલએ કહ્યું કે, શરીરમાં સ્વયં પ્રતિરક્ષા પ્રણાલી(ઓટો ઇમ્યુન)વધી જાય તો ચામડીની કોશિકાઓ ઉપર જ તેની અસર થાય છે અને ચામડી ઉપર જમા થાય છે જેથી લાલ ચાઠાં જેવા લક્ષણ સાથે સોરિયાસિસમાં પરિવર્તિત થાય છે. આવું જણાય તો તુરંત નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.તબીબો લક્ષણ આધારિત સારવાર કરે છે.
સ્કિન વિભાગના ડો. માનસી પટેલ, ડો.મીરા પટેલ, ડો. પ્રેરક કથીરિયાએ વધુ વિગત આપતા જણાવ્યું કે સોરિયાસિસને હળવાશથી લઈ શકાય નહીં, જો સોરિયાસિસ સાથે ત્વચામાં સોજો આવી જાય તો વધુ નુકસાનકારક સાબિત થાય છે. જેમનું વજન વધુ હોય કોલેસ્ટ્રોલ બીપી સુગર વધુ હોય તો તેમણે ખાસ સાંભળવું.
સામાન્ય ઉપચાર અંગે ડો. જય અમલાણી,ડો. નૌસીન શેખના મંતવ્ય મુજબ લીલા શાકભાજી,વિટામિન “એ”,”ડી.”,અને વહેલી સવારનો તડકો ચામડીને તંદુરસ્ત રાખે છે.ઉપરાંત નિયમિત વ્યાયામ,ઠંડી અને શુષ્ક મોસમથી સંભાળી ને રહેવું,સંક્રમણ, વાસી ખોરાક,મીઠાઈ,ઝંકફૂડથી દૂર રહેવું.






Leave a comment