– નાના વેપારીઓથી માંડીને નાગરિકો, સંસ્થાઓનેે નિ:શુલ્ક વિતરણ
– સ્વચ્છતાના કોલ સાથે આગળ વધતું ‘એક પહેલ એજ્યુકેશન ટ્રસ્ટ’
પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતામાં સુધારો લાવવાના આશયથી ભુજના ‘એક પહેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ઓછા માઇક્રોનના ઝબલા વપરાશની સામે ‘મારું શહેર પ્લસ્ટિક મુકત શહેર’ અભિયાન છેડાયું છે. આગામી પાંચ વર્ષ સુધી ઠેર ઠેર ઝબલાની સામે કાપડની સ્વચ્છતાના સંદેશ સાથેની થેલીઓનું સતત વિતરણ કરવામાં આવશે તેવી ટેક લીધી છે. પ્રાથમિક તબક્કે કાપડની અેક લાખ થેલી ભુજ શહેરભરમાં સંસ્થાઓ, સંગઠનો, નાગરિકો, દુકાનદારો, નાના વેપારીઓ, રેંકડી ચાલકોને નિ:શુલ્ક અપાશે.
‘મારું શહેર, પ્લસ્ટિક મુકત શહેર’ અભિયાન અંતર્ગત શહેરભરમાં કાપડની થેલીઓ સાથે ફરી રહેલા ટ્રસ્ટના હોદ્દેદારો જયદીપસિંહ જાડેજા, મનીષ જેઠી, અનિલ છત્રાળાએ સંયુક્તપણે જણાવ્યું હતું કે, આપણંુ શહેર જિલ્લા મથક છે અને તેને છાજે તેવી સ્વચ્છતા હોવી પણ અનિવાર્ય છે. પ્રવાસન ઋતુમાં સંખ્યાબંધ સહેલાણીઓ આવે છે અને ઠેર ઠેર પ્લાસ્ટીકના ઝબલા વેરાયેલા જોવા મળે છે ત્યારે શહેરીન છાપ ખરાબ લઇને જાય છે. શહેરની સ્વચ્છતામાં યોગદાન આપવા પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરાવવો પડશે. સૌપ્રથમ ઓછા માઇક્રોનવાળા પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરવા અને તે ન થાય ત્યાં સુધી કાપડની થેલીઓના ઉપયોગની લોકોમાં આદત પડે તે માટે અભિયાન શરૂ કરાયું છે. રમેશ ધુઆ, ભવ્ય જેઠી, ઈશ્વરગર ગોસ્વામી, જયેશ સોની , અંબરીશ જાની, રાજેન્દ્ર જોષી વગેરે દ્વારા આ પ્રોજેક્ટને સફળ બનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો સાથે થેલી વિતરણ કરાઇ રહ્યું છે.
શહેરમાં 20,000 કાપડ બેગનું વિતરણ
અત્યાર સુધી ભુજ શહેરમાં 20,000 કાપડ વેગનું વિતરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા પણ સહભાગી થઈ અને 5000 કાપડ બેગ ટ્રસ્ટને આપવામાં આવી છે. ખાનગી કંપની દ્વારા પણ 20 હજાર બેગ અપાઇ છે. પાંચ વર્ષ દરમિયાન ભુજ શહેર અને તેના રહેવાસીઓમાં કાપડ બેગનું વિતરણ કરી અને પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરાશે.






Leave a comment