તથ્યની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હતી, જેમાં વકીલ જાલ ઉનવાલાએ દલીલો કરતાં કોર્ટને કહ્યું હતું કે રાત્રે 12.30 વાગ્યે રોડ ઉપર ટ્રાફિક હોય એવું માની ન શકાય, આ સંપૂર્ણ કેસ બેદરકારીનો છે. આ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો કેસ નથી. ત્યારે સરકારી વકીલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તથ્યના મિત્રના નિવેદન જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું. જોકે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષે 2 કલાક ચાલેલી દલીલો સાંભળી તથ્યની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તથ્ય પાસે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી.
બંને પક્ષે શું દલીલો ચાલી…
તથ્યના વકીલનું કહેવું હતું કે તથ્ય ઘટનાસ્થળેથી ભાગ્યો નથી, લોકોએ તેને માર્યો હતો. પ્રજ્ઞેશ પટેલે અકસ્માત બાદ પોલીસને ફોન કર્યો હતો, આ હિટ એન્ડ રનનો કેસ નથી. અકસ્માત બાદ તથ્ય જેલમાં છે, શું હવે તેને જામીન મળવા જોઈએ? કોર્ટ ધ્યાનમાં લે, તથ્યની ઉંમર અને તેનું બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લેવા કહ્યું હતું.
ગાડીમાં કેપેસિટી કરતાં વધુ લોકો
તથ્ય પર લાગેલી IPCની કલમો કોર્ટને ચાર્જશીટમાંથી જણાવતા સાહેદોનાં નામ જણાવ્યા હતા, જેમાં શ્રેયા, આર્યન, ધ્વનિ, શાન, માલવિકા તથ્ય સાથે ગાડીમાં હતાં. ચાર્જશીટમાં જણાવ્યું છે કે ગાડીમાં કેપેસિટી કરતાં વધુ લોકો હતા. તથ્યએ ગાડી ‘ગફલત’ ભરી રીતે ચલાવી હતી. તથ્યના વકીલે ચાર્જશીટમાંથી ‘બેદરકારી’ શોધી બતાવી, જોકે તથ્યના ગાડીમાં બેઠેલા મિત્રોનાં નિવેદન કોર્ટને જણાવ્યા હતા.
ગાડી ઝડપમાં હોવાથી જલદી બ્રેક લાગી નહિ
ધ્વનિ ગાડીમાં તથ્યની બાજુમાં બેઠી હતી, એનું નિવેદન એ હતું કે અમારા ઘરેથી એક પાર્લર ગયા, બાદમાં માલવિકાને લીધી, બ્રિજ ઉપર ‘લાઈટ’ નહોતી. તથ્યએ ડીપ લાઈટ મારી, બ્રેક પણ મારી હતી. ટોળું દેખાયું, પરંતુ ગાડી સ્પીડમાં હોવાથી જલદી બ્રેક લાગી નહિ.
આ કેસ ફક્ત બેદરકારીનો છે
ધ્વનિનું નિવેદન CRPCની કલમ 164 મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું, તે ગાડીમાં હતી તેના કરતાં સારું કોઈ પ્રથમદર્શી નિવેદન ન હોઈ શકે, આ કેસ ફક્ત બેદરકારીનો કેસ છે, ચોક્કસ અકસ્માત દુ:ખદનો હતો, પણ બ્રેક મારતાં ગાડીની ઝડપ ઘટી હતી.
રાત્રે 1.45 વાગ્યે સિમ્સ લાવ્યા
તથ્યના પિતાના કોલ રેકોર્ડમાં 100 નંબર પર ફોન કરાયાનું સાબિત થાય છે. ઘટનાસ્થળે ઊભેલા સાક્ષીઓએ પ્રજ્ઞેશ પટેલે લોકોને ધમકાવ્યા હોવાનું અને નીલમ પટેલને ગાડીમાંથી ગન કાઢવા કહ્યું હોવાનું જણાવ્યું હતું, સિમ્સ હોસ્પિટલ, જ્યાં તથ્યને લઈ જવાયો હતો ત્યાંના ફરજ પરના ડોક્ટરનું નિવેદન રજૂ કરાયું. રાત્રે 1.45 વાગ્યે સિમ્સ લાવ્યા, તથ્યને માથે, પીઠે અને ઘૂંટણે વાગ્યું હતું, ડોક્ટરને પણ ઘટના વિશે માહિતી અપાઈ, જેથી તે પણ પોલીસને બોલાવી શકે છે.
તથ્ય તરત ગાડીમાંથી ઊતરી ગયો હતો
અકસ્માતમાં ઘાયલ થયેલાને સારવાર આપવી કાયદા મુજબ ડોક્ટરની ફરજ છે. ડોક્ટર પોલીસને જાણ કરી શકે છે, અકસ્માત થતાં તથ્ય તરત ગાડીમાંથી ઊતરી ગયો હતો.
આમાં હેતુ નહીં, પણ જ્ઞાન હતું
તથ્યના વકીલે વલસાડમાં ડ્રાઈવરની બેદરકારીથી વિદ્યાર્થીના થયેલા મોતનો કેસ ટાંક્યો હતો, જેમાં બસના ટાયર પાસેનાં પતરાં સડી ગયાં હતાં, જેને રિપેર ન કરાયાં અને એક જાડું કપડું લગાવ્યું હતું, જ્યાંથી વિદ્યાર્થી પડી જઈને બસના ટાયર નીચે આવી જતાં મોત થયું હતું. આ કેસમાં ડ્રાઈવર, ક્લીનર, સુપરવાઈઝર અને ટ્રસ્ટીને આરોપી બનાવ્યા હતા. આમાં હેતુ નહીં, પણ જ્ઞાન હતું, આ બેદરકારી હતી.
304 નહિ, 304 A લાગવી જોઈએ
સુપ્રીમ કોર્ટનો એક કેસ ટાંક્યો, જેમાં એક બસ ટ્રેન સાથે અથડાઈ હતી અને એમાં બે માણસોનાં મોત થયાં હતાં, એમાં પણ હેતુ નહોતો, વ્યક્તિ જાણીજોઈને લોકોના ટોળા વચ્ચે ગાડી નહોતી ચલાવતી, તથ્ય પર પણ 304 નહિ, 304 A જ લાગે.






Leave a comment