ભુજમાં કુંવરજી બાવળીયાએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામો તથા પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને તેને સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ પાણી ચોરીને અટકાવવા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સહિતની જરૂરી સૂચના આપી હતી.

બેઠકમાં મંત્રીએ પાણી પુરવઠા વિભાગના 9 જૂથ સુધારણા હેઠળના પૂર્ણ કામો અંગે જાણકારી મેળવીને તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કચ્છમાં પ્રગતિ હેઠળના 22 કામોની સમીક્ષા કરી હતી. આ સાથે જ આવતા ઉનાળા પહેલા પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવાની તાકીદ સાથે પાણી ચોરી અટકાવવા તત્કાલ સરપ્રાઇઝ ચેકીંગ સાથે ગુનેગારો સામે કાયદાકીય રીતે કડક પગલા ભરવા પાણી પુરવઠા વિભાગને સૂચના આપી હતી.

પાણી પુરવઠા વિભાગ સાથેની બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જે પણ પ્રોજેકટ ચાલી રહ્યા છે તે તમામમાં ઝડપ લાવીને ઉનાળા પહેલા કામ પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને પીવાના પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય. તેમણે પ્રગતિ હેઠળના કામોમાં આવતી સમસ્યાને દુર કરવા અન્ય વિભાગ સાથે સંકલન કરીને તત્કાલ ઉકેલ લાવવા સુચના આપી હતી. ઉપરાંત પૂર્ણ થયેલા પ્રોજકેટ યોગ્ય રીતે કાર્યરત રહે તે જોવા તેમજ પ્રસ્તાવિત કામોની પ્રક્રિયા ત્વરાએ આટોપી લેવા સૂચના આપી હતી.

બેઠકમાં મંત્રીએ કામોની ગુણવત્તા મુદે કડક વલણ અપનાવવા, પ્રગતિ હેઠળના કામોમાં જરૂરી ફોલોઅપ લેવા, નડરતરરૂપ પ્રશ્નોના ઉકેલ માટે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને તેનો ઉકેલ લાવવા તથા અન્ય વિભાગ સાથે સંકળાયેલા મુદાઓને સંકલન બેઠકમાં મુકીને ઉકેલવા ખાસ સૂચના આપી હતી. બેઠકમાં અબડાસા, ભચાઉ, રાપર, ભુજ, માંડવીમાં પૂર્ણ થયેલા 9 જુથ યોજનાના કામો તથા ૨૨ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરીને જરૂરી સુચનાઓ આપી હતી. ઉપરાંત મંત્રીની ગત મુલાકાત સમયે આવેલી રજૂઆતો પૈકી કેટલી ઉકેલાઇ તે અંગેની વિગતો મેળવી હતી.

જિલ્લા પાણી -પુરવઠા વિભાગે બેઠકમાં પીવાના પાણી મુદે જિલ્લાની સામાન્ય રૂ૫રેખા તથા પૂર્ણ તથા પ્રગતિ હેઠળના કામોની પ્રેઝન્ટેશન મારફતે છણાવટ કરીને મંત્રીને વર્તમાન પરિસ્થિતીનો ચિતાર આપ્યો હતો. બેઠકમાં અબડાસા ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે, અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ પોતાના મતવિસ્તારના પાણીને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને તત્કાલ ઉકેલ માટે મંત્રીએ પાણી પુરવઠા વિભાગને ખાસ સૂચના આપી હતી. બેઠકમાં કચ્છ જિલ્લા પાણી પુરવઠા વિભાગના ચીફ ઇજનેર તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરો, નાયબ ઇજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending