રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. જેમાં AMCએ જણાવ્યું હતું કે, માલધારીઓના દેખાવાથી ઢોરવાડાના ગેટ પરથી પશુઓને અંદર કે બહાર લઈ શકતા નથી. ત્યારે કોર્ટે માલધારીઓને ઢોર પોલિસીના અમલીકરણમાં વિપેક્ષ ઊભો ન કરવા ટકોર કરી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 22 ડિસેમ્બરે રાખવામાં આવી છે.
અરજદારવતી એડવોકેટ અમિત પંચાલે જણાવ્યું હતું કે, આ તો ફકત રખડતા ઢોર ઉપર સુનાવણી થઈ, હજી ટ્રાફિકના મુદ્દા બાકી છે. AMCના વાહનો અકસ્માત સર્જે છે. 23 ટકા વાહનો ટ્રાફિકના નિયમો તોડે છે, અમદાવાદ શહેરમાં 10 ટોપ અકસ્માત ઝોન છે
ઢોરવાડામાં નિયમિત તપાસ થાય છે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, નડિયાદના કેસને લઈને તપાસ ચાલી રહી છે. ઢોરવાડામાં નિયમિત તપાસ થાય છે. નડિયાદ નગરપાલિકા 28 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ છે. પ્રાણીઓ જો મૃત્યુ પામે તો તેને અગ્નિદાહ આપીને નિકાલ કરાય છે.
એક ઢોરવાડામાં 108 પશુ
નડિયાદના સમચાર સંસ્થાના અહેવાલ ઉપર ડમ્પિંગ સાઈટની તપાસ કરાઇ છે. જેમાં ખેડા એનિમલ હસ્બેન્ડરીની ટીમના ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, તાલુકા વેટરનરી ઓફિસર જોડાયા હતા. જેનું રોજકામ અહીં રજૂ કરાયેલ એફિડેવિટમાં છે. નડિયાદ ડમ્પિંગ સાઈટ ઉપર મળેલ પ્રાણીઓના મૃતદેહો 20થી 22 દિવસ જૂના છે. આવા 35થી 40 પશુઓના કંકાલ ત્યાંથી મળ્યા છે. પરંતુ ઢોર માલિકો તરફથી કોઈના પશુ ચોરાયા કે રોગની કોઈ ફરિયાદ આવી નથી. આમ નગરપાલિકાના ઢોરવાડામાંથી પશુઓ કતલ માટે વેચાતા હોવાની માહિતી ખોટી છે. નડિયાદમાં કુલ ત્રણ ઢોરવાડા પૈકી એક ઢોરવાડામાં 108 પશુ અને બીજા બે ઢોર વાડામાં હાલમાં 55 પશુ છે.
આ મુદ્દે સરકારે ફોટા પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા
પકડાયેલા પશુઓમાંથી 7ના મોત થયા છે. નડિયાદની નજીક અમૂલ ડેરી આવેલી હોવાથી અહીં મોટાપાયે પશુપાલનનો વ્યવસાય થાય છે. જેમાં દરરોજ બેથી ત્રણ પશુના મોત થતાં હોય છે. દિવાળી દરમિયાન સાફ સફાઈ ન થતાં ડમ્પિંગ સાઈટ ઉપર આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, હવે ત્યાં સફાઈ કરી દેવામાં આવે છે. આ મુદ્દે સરકારે ફોટા પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા. પોલીસ એફિડેવિટ મુજબ પણ પશુમાલિકો દ્વારા પશુચોરીની કોઈ ફરિયાદ નોધાઇ નથી કે પશુઓ કતલ કરાતા નથી
રાજ્યના ઢોરવાડાઓમાં મોટાપાયે પશુઓ મરી રહ્યા છે
જ્યારે માલધારી સમાજવતી દલીલ કરવામાં આવી છે કે, રાજ્યના ઢોરવાડાઓમાં મોટાપાયે પશુઓ મરી રહ્યા છે, અમદાવાદ ગ્યાસપુરના પશુઓના મૃતદેહોના ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. અમદાવાદમાં પશુવાડાની રાજ્યપાલે મુલાકાત પણ લીધી હતી.
નડિયાદની જેમ અમદાવાદમાં પણ તપાસ થાય છે
AMCએ જણાવ્યું હતું કે, માલધારી સમાજ દ્વારા દેખાવો કરવાને પગલે ઢોરવાડાઓના ગેટ પરથી પશુઓને અંદર કે બહાર લઈ જઈ શકાતા નથી. માલધારીઓએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, અમદાવાદમાં પણ નડિયાદની જેમ ઢોરવાડા અને પશુઓના મૃત્યુની તપાસ કરાઈ છે. કોર્ટે કહ્યું હતું કે, માલધારી સમાજ ઢોર પોલિસીના અમલીકરણમાં વિક્ષેપ ઊભો ન કરે.
ઢોરવાડાઓમાં ઢોરને દોહવા જવા દેવાય છે
માલધારીઓએ કહ્યું હતું કે, તેમને ઢોરવાડાઓમાં ઢોરને દોહવા જવા દેવાય છે. ગર્ભ ધારણ કરેલા પશુઓ અને વાછરડાની જાળવણી કરવામાં આવે છે. પશુ રાખવા માટે લાયસન્સ લેવાની અરજી ડેડલાઈન પત્યા બાદ પણ સ્વીકારવામાં આવે. અમે મુખ્યમંત્રી અને મેયર સહિતનાઓને આ મુદ્દે રજૂઆત કરી છે.






Leave a comment