ડુંગળીની નિકાસ પર ભારતના પ્રતિબંધથી ઘરઆંગણે તેના ભાવ અડધા થઈ ગયા છે પરંતુ વિદેશની બજારો ખાસ કરીને ભારતના નિકાસ મથકોએ કાંદાના ભાવમાં જોરદાર વધારો થતાં ત્યાંના વપરાશકારોના બોજામાં વધારો થયાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન મહિનાની ૮ તારીખે ભારત સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઘરઆંગણે ભાવમાં વધારાને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્ણય આવી પડયો છે. પ્રતિબંધને કારણે ઘરઆંગણે કાંદાના ભાવમાં ૩૫થી ૪૦ ટકા ઘટાડો થઈ ગયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
નવા ખરીફ પાકના આગમન સાથે ભાવમાં વધુ ઘટાડો થવાની પણ ધારણાં રાખવામાં આવે છે. જો કે ઘરઆંગણે ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ભારતની ડુંગળીના મુખ્ય આયાતકાર જેમ કે નેપાળ, બંગલાદેશ, શ્રીલંકા, મલેશિયા તથા યુએઈ જેવા એશિયાના દેશોમાં ભાવમાં ઉછાળો આવતા વપરાશકારોના બોજમાં વધારો થયો હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.
એશિયન દેશો દ્વારા આયાત કરાતા કાંદામાંથી પચાસ ટકાથી વધુ કાંદા ભારત ખાતેથી નિકાસ થતા હોવાનો અંદાજ છે.
ગયા નાણાં વર્ષમાં ભારતે કુલ ૨૫ લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી જેમાં ૬૭૧૧૨૫ ટન્સ સાથે સૌથી વધુ કાંદા બંગલાદેશ ખાતે રવાના કરાયા હતા.
ભારત ખાતેથી ડુંગળી મળવાનું બંધ થતા પાડોશી દેશો ખરીદી માટે ચીન, ઈજિપ્ત તથા તુર્કીની બજાર તરફ નજર દોડાવી રહ્યા છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર કાંદાની નિકાસ તાત્કાલિક ઉઠાવી લેશે તેવી શકયતા જણાતી નથી.






Leave a comment