જી. કે. જન. અદાણી હોસ્પિ. ના બાળરોગ વિભાગે આપી લાંબી સારવાર

અજાણ્યા બાળકને સ્વસ્થ કરી મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપણી કરાઈ

જી.કે.જનરલ હોસ્પિટલમાં જખૌ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા, થોડા સમય પહેલા તાજા જન્મેલા અને ઝાળી ઝાંખરીમાં ત્યજી દેવાયેલા એક અજાણ્યા બાળકને અત્રે લાવવામાં આવ્યા બાદ તેને બાળરોગ વિભાગ મારફતે સ્વસ્થ કરી, ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપણી કરવામાં આવી હતી.

જી.કે.બાળરોગ વિભાગના હેડ ડો. રેખાબેન થડાની અને ડો.સમીમ મોરબીવાલાના જણાવ્યા અનુસાર અત્રે આવેલું બાળક અધૂરા મહિને જન્મ્યું હતું. આવ્યું ત્યારે બેભાન અવસ્થામાં હતું. મોઢામાંથી સતત લોહી વહેતું હતું. લોહી વહી જવાને કારણે સૂગરનું  પ્રમાણ પણ ઘટી ગયું હતું. ઝાંખરામાં પડી રહેવાથી બાવળના કાંટા વાગવાના ચિહ્નો પણ શરીર ઉપર હતા.

અધૂરા મહિને જન્મેલું હોવાથી બાળકમાં બીજી અનેક સમસ્યાઓ હતી, તેથી તેને સીપીએપ ઉપર મુકવામાં આવ્યું હતું. ઉપરાંત ચેપ લાગવાથી તેના પ્લેટલેટસ પણ સદંતર ઘટી ગયા હતા. એકાદ વીક સીપીએપ ઉપર રાખ્યા પછી સ્વસ્થ જણાતા તેને સાદા ઓક્સિજન ઉપર મૂકવામાં આવ્યું અને એન્ટીબાયોટિક સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ બનતા તેમજ ફીડિંગ લેવાનું શરૂ થતાં તેને મહિલા કલ્યાણ કેન્દ્રને અર્પણ કરવામાં આવ્યું હતું.

બાળરોગ વિભાગના ડો.પાર્થ સાણંદિયાએ કહ્યું કે બાળકની આ સારવારમાં ડો. લહર જાદવ, ડો.વિનિશા માખીજાની તથા નર્સિંગ સ્ટાફ વિગેરે જોડાયા હતા.

Leave a comment

Trending