અદાણીવિદ્યામંદિર-અમદાવાદના બાળકોએ દાનનો આનંદ લૂંટ્યો!

 અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના બાળકોએ પ્લાસ્ટિક મુક્ત ભારત સાથે દાનનું મહત્વ સમજાવતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પોતાના જ ઘરમાંથી વસ્ત્રો અને રમકડા એકઠા કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું પ્રસંશનીય કાર્ય કર્યુ હતું. બાળકોએ Joy of Giving  આપવાના આનંદને માણ્યો અને સાથો સાથ પર્યાવરણ પ્રેમ દર્શાવતા પ્લાસ્ટિક મુક્ત ભારતની મુહિમને આગળ ધપાવી હતી.

કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોથી વંચિત લોકોની પીડા સમજી શકે એવા બહુ ઓછા લોકો મળે છે. તેવામાં અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ કાતિલ ઠંડીનો ભોગ બનતા લોકોની વ્હારે ધસી આવ્યા છે. દાનની શરૂઆત ઘરેથી (ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ) ના સૂત્રને સાર્થક કરવાની વાત જીવનમાં ઉતારી પોતાના ઘરમાંથી જ ગરમ વસ્ત્રો એકત્રિત કરી જરૂરિયાતમંદોને પહોંચાડવાનું કાર્ય કર્યુ છે. એટલું જ નહી, તેમણે આવી પ્રવૃત્તિ થકી લોકોમાં સેવાભાવનને જાગૃત કરવા સંદેશ પાઠવ્યો હતો.  

વસ્ત્રદાન કરનાર એક વિદ્યાર્થી જણાવે છે કે “આપવાનો આનંદ અનોખો છે અને આવી પ્રવૃત્તિ દ્વારા અમે તેનો સાક્ષાત્ અનુભવ કરી રહ્યા છીએ”. ગરીબ બાળકો માટે રમતગમત અને મનોરંજનની અભિવૃદ્ધિ કરવા માટે પણ આ બાળકોએ નવતર અભિગમ અપનાવ્યો છે. તેમના વણવપરાતા રમકડાઓ એકઠા કરીને ગરીબ બાળકોમાં વહેંચ્યા હતા. આવા સેવાકીય કાર્યોથી તેમણે જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કર્યુ છે. 

પ્લાસ્ટિકમુક્ત ભારતને પ્રોત્સાહન આપવા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કાપડમાંથી બનાવેલી થેલીઓનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. વિદ્યાર્થીઓએ શાકભાજીની દુકાનોમાં આગળ ઉભા રહીને ગ્રાહકોને થેલીઓનું વિતરણ કર્યું હતું. પર્યાવરણના રક્ષણ અને લોકજાગૃતિ માટે તે બાળકોએ લીધેલું અતિમહત્વનું પગલું ગણાવી શકાય. 

કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વિના સમાજને સતત આપનારા હંમેશા શ્રેષ્ઠ રહ્યા છે. અમદાવાદના શ્રમજીવી પરિવારોના બાળકોને વસ્ત્રદાન અને રમકડાની વહેંચણીથી વિદ્યાર્થીઓમાં સમૃદ્ધ વિચારો અને ઉદારતાના સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. અદાણી વિદ્યામંદિરમાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ પર્યાવરણ અને સમાજોપયોગી સર્વાંગી શિક્ષણ આપવામાં આવે છે.

Leave a comment

Trending