પાણી પીતા પીતા જો એકાદ ઘૂંટડો પણ શ્વાસનળીમાં ચાલ્યો જાય તો આકળ -વિકળ થઈ જવાય તેવામાં જો ૩૫ મી.મી. લાંબી પિન શ્વાસનળીમાં અટકી જાય તો..? આવી જ એક માથામાં નાખવાની ધારદાર પિન ૧૫ વર્ષની કિશોરીની શ્વાસનળીમાં અટકી ગઈ અને દર્દી તેમજ પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો ત્યારે જી.કે.જન. અદાણી હોસ્પિટલના કાન, નાક અને ગળાના અને એનેસ્થેટિક વિભાગના તબીબોએ જોખમી ઓપરેશન કરી પિન બહાર કાઢી પછી જ કુટુંબીજનોના જીવમાં જીવ આવ્યો.
આ જોખમી ઓપરેશન સફળતા સાથે હાથ ધર્યા બાદ જી.કે.ના ઈ.એન.ટી. વિભાગના હેડ ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, કિશોરાવસ્થાને કારણે સમજ હોવાથી પોતે જાણતી હતી કે માથામાં નાખવાની પિન મોઢામાં અટકી ગઈ છે,એવી ફરિયાદ સાથે અત્રે ઇમરજન્સી વોર્ડમાં આવી ફરિયાદની ગંભીરતાને પગલે સીટીસ્કેન કરાવતાં જાણવા મળ્યું કે એક ધારદાર પિન શ્વાસનળીમાં અટકી ગઈ છે, પરિણામે તેનું સવેળા ઓપરેશન કરવું પડે એમ હતું.
પરંતુ સાથે સાથે ઓપરેશન જોખમી પણ હતું એમ જણાવી ડો.હિરાણીએ ઉમેર્યું કે મેડિકલ સાયન્સ મુજબ શ્વાસનળીમાંથી કોઈ પદાર્થ કે વસ્તુ કાઢતી વખતે (બ્રોંકોસ્કોપિક ફોરેનબોડી રીમુવ)શ્વાસ લેવાતો હોય અને તેમાંય દૂરબીન પસાર કરી પદાર્થ કાઢવાનો હોય એટલે દર્દીનો જીવ જોખમમાં આવી શકે. હૃદય એકાએક બંધ પણ થઈ શકે(કાર્ડિયાક એરેસ્ટ)અને પિન જેવી ધારદાર વસ્તુ કાઢતી વખતે શ્વાસનળી ફાટી પણ શકે.આટલા જોખમ વચ્ચે ઓપરેશન પણ એટલું જ જરૂરી હોવાથી શસ્ત્રક્રિયા કરી સફળતાપૂર્વક પિન કાઢી લીધી અને દર્દીનો જીવ બચી ગયો.
આ ઓપરેશનમાં કાન,નાક અને ગળાના ડો.હેતલ જોશી,ડો.મૈત્રી પરમાર તેમજ એનેસ્થેટિક ડો. જલદીપ પટેલ,ડો.ખ્યાતિ મકવાણા,ડો.યાશ્વી શાહ અને ડો. રીશિતા અવસ્થી જોડાયા હતા.






Leave a comment