ગુજરાતમાં દિવાળીના તહેવારોવાળા નવેમ્બર- 2023માં હવાઈ મુસાફરીની વિગત હવે એ.એ.આઈ. દ્વારા જારી કરાઈ છે જે મૂજબ રાજ્યમાં નવેમ્બર માસમાં 11.64 લાખ અને દિવ સહિત 11.72 લાખ લોકોએ ઘરગથ્થુ (ડોમેસ્ટીક) હવાઈ સેવાનો ઉપયોગ કર્યો છે. એટલે કે દેશમાં એકથી બીજા રાજ્યમાં જવા વિમાન યાત્રા કરી છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના 8 માસમાં કૂલ 89 લાખ લોકોએ ડોમેસ્ટીક મુસાફરી કરી છે. આ વખતે નવેમ્બરમાં દિવાળી હતી અને ઓક્ટોબર- 2023ની સાપેક્ષે નવેમ્બરમાં 9 ટકા મુસાફરો વધ્યા છે.
અમદાવાદમાં ગત નવેમ્બરમાં 8.21 લાખ સહિત કૂલ 63.78 લાખ મુસાફરોએ ડોમેસ્ટીક ફ્લાઈટમાં તથા નવે. 23માં 1.82 લાખ સહિત 8 માસમાં 12.44 લાખ લોકોએ વિદેશ મુસાફરી કરી હતી. આમ, આ એક જ એરપોર્ટ પર 8 માસમાં 76.22 લાખ લોકો વિમાનમાં બેઠા છે અને તેમાં 10.04 લાખ તો ગત દિવાળી માસ નવેમ્બર- 2023માં નોંધાયા હતા.
રાજકોટમાં સપ્ટેમ્બર- 2023થી શહેરથી દૂર 30 કિ.મી.ના અંતરે હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયું છે અને આ નવા એરપોર્ટમાં હજુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તો 2024-25થી શરૂ થનાર છે. પરંતુ, રાજકોટ એરપોર્ટ કે જ્યાં મહિને 60થી 65 હજાર મુસાફરો હવાઈયાત્રા રેસકોર્સ એરપોર્ટથી કરતા તેમાં નવા હીરાસર એરપોર્ટ ખાતે આ સંખ્યામાં આશરે 15,000નો એટલે કે રોજ સરેરાશ 500 મુસાફરોનો વધારો થયો છે.
ગુજરાતમાં વડોદરા ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર અને કચ્છના ભૂજ એરપોર્ટ ખાતે હવાઈ યાત્રિકોની સંખ્યા નવેમ્બર- 2022ની સાપેક્ષે ગત આ મહિનામાં 24થી 27 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં કૂલ મુસાફરોની અવરજવર એપ્રિલથી નવેમ્બર દરમિયાન 25.7 ટકાનો તોતિંગ વધારો થયો છે.
સમગ્ર દેશમાં નવે- 2023માં કૂલ 3.12 કરોડ લોકોએ મુસાફરી કરી હતી જે નવે-2022 સામે 10.7ટકાનો વધારો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના 8 માસમાં 24.53 કરોડ લોકોએ વિમાન યાત્રા કરી છે જે પણ 10 ટકાનો વધારો દર્શાવે છે. આમ, ભારત કરતા ગુજરાતમાં વધુ ઝડપથી હવાઈ મુસાફરો વધી રહ્યા છે






Leave a comment