જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગે કેન્સરગ્રસ્ત આધેડના આંતરડાની ગાંઠ દૂર કરી એટલું જ નહીં, આ આંતરડાનું કેન્સર છેક લીવર સુધી ફેલાઈ ગયું હતું તે પણ ઓપરેશનથી હટાવી દેવામાં આવ્યું અને દર્દીએ ખોરાક લેવાનું શરૂ કરતાં તેને પાંચ જ દિવસમાં ડિસ્ચાર્જ આપી નવજીવન આપ્યું.
જી.કે. ના ઓન્કો સર્જન ડો.નિકુંજ ચૌહાણ અને જનરલ સર્જન ડો. આદિત્ય ડી. પટેલે સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, ગાંધીધામના ૫૪ વર્ષીય કરસન મહેશ્વરીને છેલ્લા પાંચ મહિનાથી પેટમાં દુઃખાવો થતો હતો. જમ્યા બાદ તુરંત વોમિટ થઈ જતી અને પેટમાં કંઈ ટકતું નહોતું. તેમને તુરત જ હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા આંતરડાની ગાંઠ (ન્યુરો એન્ડોક્રોઈન ટ્યૂમર)જોવા મળી. આ કેન્સરના ગાંઠની અસર લીવર સુધી પ્રસરી ગઈ હતી. દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરવું જરૂરી બનતા ઓપરેશન કરી કેન્સરની ગાંઠ દૂર કરવામાં આવી અને લીવર સુધી પહોંચેલા કેન્સરને પણ રીમુવ (લીવર મેટા સ્ટેક્ટોમી) કરવામાં આવ્યું.આ ઓપરેશનમાં ડો.યશોધર બોપાલિયા, ડો.યશ.આર. પટેલ અને ડો. ચિરાગ દેવડા જોડાયા હતા.
ઓપરેશનના બીજા દિવસથી દર્દીને પાણી શરૂ કરવામાં આવ્યું. આંતરડાનું જોડાણ કરવામાં આવ્યું હોવા છતાં ક્રમશઃ જ્યુસ તથા હળવો ખોરાક પણ અપાયો અને પેટમાં પાણી અને અનાજ ટકી જતા પાંચમા દિવસે તો દર્દીને રજા પણ આપી દેવામાં આવી. આમ જી.કે.માં કેન્સરનું એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું.






Leave a comment