– યોજનાબદ્ધ વૈજ્ઞાનિક ખેતીથી ગુણવત્તાયુક્ત અને મહત્તમ ખેત ઉત્પાદન અંગે માર્ગદર્શન
વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તાર ખાવડામાં વૈજ્ઞાનિક કૃષિ અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. અદાણી ફાઉન્ડેશન, આત્મા-ભૂજ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમનો ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની માહિતી મળી રહે તેવો હતો. ખેડૂત અને વૈજ્ઞાનિકો વચ્ચેના સીધા વાર્તાલાપમાં વૈજ્ઞાનિક ખેતીમાં આવતી અડચણોનું સમાધાન અને તેના ફાયદાઓથી કૃષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મુંદ્રા અને આસપાસના વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતી દ્વારા ખેડૂતોને મહત્તમ ઉત્પાદન અને વળતર મળી રહે તે હેતુસર અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં ખાવડા ખાતે આયોજીત વૈજ્ઞાનિક કૃષિ કાર્યક્રમમાં ખેડૂતોને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખાવડા અને તેની આસપાસના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખેતી અને પશુપાલન માટે પાણી અને ઘાસચારો એ મુખ્ય આવશ્યકતાઓમાંની છે, ઉપસ્થિત ખેડૂતોને પોતાની સમસ્યાઓ અને સમાધાન માટે ખુલ્લો મંચ આપવામાં આવ્યો હતો. આત્મા -ભુજના પ્રોજેકટ ડાયરેક્ટર પી.કે. તલાટીએ ખેડૂતો સાથેના સંવાદમાં જણાવ્યુ હતું કે “આજે અદાણી ફાઉન્ડેશન દ્વારા અમો આપની વચ્ચે આવ્યા છીએ, આપ ખેડૂતો હંમેશા અમારી સાથે એક સમુહ બનાવી જોડાયેલા રહેજો”.
તમણે નજીવી રજીસ્ટ્રેશન ફીથી 11 ખેડૂતોનું એક ફાર્મર ગ્રૂપ બનાવી કિસાનોને સમુહમાં જોડાવવા હાંકલ કરી હતી. ગ્રુપના તમામ ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને પ્રેરણા પ્રવાસની સુવિધા આપવામાં આવશે. એટલું જ નહી, ગ્રુપના ખેડૂત સભ્યોને સીધું વેચાણ કરી આપવા માટે પણ ખાસ સુવિધાઓ આપવામાં આવશે. આત્માનો સાદ ખેડૂતોએ સીધો જીલી લીધો અને અઠવાડિયામાં જ એક નવું ગ્રુપ બનાવવાની બાંહોધરી આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિક ટાંક સાહેબે લોકોને માર્ગદર્શન આપતાં કહ્યું કે “આ વિસ્તારમાં વરસાદ આધારિત ખેતીને પ્રાધાન્ય આપવા ખેતરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બંધપાળા, ખેત તલાવડી, ઊંડી ખેડ, જમીન ધોવાણ અટકાવવા ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ, સેન્દ્રિય ખાતરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ“. તેમણે ખેડૂતોને વિસ્તૃત વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું હતું.
સેતુ અભિયાનના ગનીભાઇ સમાએ ખેડૂતોને રણમાં જતું પાણી અટકાવવાથી થતા ફાયદાઓ વિશે સમજાવ્યું હતુ. જ્યારે અન્ય અનુભવી ખેડૂત અગ્રણીઓએ જમીનના જમુના, બંધપાળા, ચેકડેમની ઊંચાઈ વધારવા, પશુપાલન અને તળાવોના કામ માટે સૂચનો કર્યા હતા.
કૃષિ વૈજ્ઞાનિક નિલેષભાઈ પટેલે ભૌગોલિક પરિસ્થિતીને અનુકુળ આયોજનબદ્ધ ખેતી કરવા લોકોને પ્રેરિત કર્યા હતા. તો અનુભવી કો-ઓર્ડિનેટર અમરાભાઈ ખાંભલિયાએ સ્વાનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતાં.
અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં સહભાગી ખેડૂતોએ ફાઉન્ડેશનની ટીમના આયોજન અને માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો.






Leave a comment