ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ, આજે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતાઓ છે.
બીજી તરફ તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સોમવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. ભારે વરસાદને કારણે પુડુચેરી અને તમિલનાડુના 8 જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે 9 વર્ષની બાળકીનું મોત થયું હતું. આજે પણ હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
દેશના 13 રાજ્યોમાં હજુ પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. તેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ સિવાયના તમામ રાજ્યોનો સમાવેશ થાય છે.
ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ટ્રેનો મોડી દોડી રહી છે. આજે દિલ્હીમાં 20 ટ્રેનો તેમના નિર્ધારિત સમય પર સ્ટેશન પર પહોંચી શકી નથી. પંજાબ અને રાજસ્થાનથી દિલ્હી પહોંચતી કેટલીક ટ્રેનો 6 કલાકથી વધુ મોડી પડી હતી. રવિવારે પણ 22 ટ્રેનોને અસર થઈ હતી.
આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે?
ઉત્તર ભારત: જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 9 જાન્યુઆરીએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે. તેમજ, આજે અને આવતીકાલે ઉત્તર-પશ્ચિમ ભાગ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
પશ્ચિમ ભારત: મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ પડી શકે છે.
મધ્ય ભારત: આજે અને મંગળવારે પૂર્વ રાજસ્થાનમાં પણ કરા પડવાની સંભાવના છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજ માટે જ કરા પડવાની શક્યતાઓ છે.
દક્ષિણ ભારત: તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં આજથી આગામી 3-4 દિવસ સુધી વરસાદનું એલર્ટ છે.






Leave a comment