– બાળકોને નવા જોશ સાથે સપના સાકાર કરવાની પ્રેરણા મળી
તાજેતરમાં અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે વિખ્યાત ચેસ ચેમ્પિયન પ્રજ્ઞાનંધાએ મુલાકાત લીધી હતી. વિશ્વના સૌથી નાની વયે ગ્રાન્ડમાસ્ટર બનેલા પ્રજ્ઞાનંધાએ બાળકોને સફળ ગ્રાન્ડમાસ્ટર થવાની ટીપ્સ અને ટ્રીક્સ આપી હતી. વિદ્યામંદિરના બાળકોએ પણ પ્રજ્ઞાનંધાએ આપેલા સફળતાના સૂત્રો મેળવી જીવનમાં ઉતારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ખાસ મુલાકાત બદલ તેમણે અદાણી વિદ્યામંદિરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાએ અદાણી વિદ્યામંદિરમાં પ્રવેશતા જ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ સાથેના સીધા વાર્તાલાપમાં તેમણે ચેસની દુનિયામાં સર કરેલી સફળતાના રહસ્યો તેમજ અનુભવો શેર કર્યા હતા. ચેસ ચેમ્પિયનની સાથે ચર્ચા અને મુલાકાતથી વિદ્યાર્થીઓને જાણે નવા જોશ સાથે સપના સાકાર કરવાની પ્રેરણા મળી હતી.
પ્રજ્ઞાનંધાએ વિદ્યાર્થીઓ સાથે ચેસ મેચ રમી તેની અપ્રતિમ કુશળતા અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું. તેમણે વિદ્યાર્થીઓને રમતના વ્યૂહાત્મક પાસાઓ અને સફળતા માટે જરૂરી માઈન્ડસેટની સમજ આપી હતી. તેમણે યુવાઓમાં શિસ્ત, વ્યૂહાત્મક વિચારસરણી સહિત સકારાત્મક પાસાઓના મહત્વ અંગે વિસ્તૃત ચર્ચા કરી અને કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા સતત શીખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રજ્ઞાનંધાએ જણાવ્યું હતું કે “વૈશ્વિકસ્તરે રમતગમતક્ષેત્રે આપણો દેશ શ્રેષ્ઠ દેખાવ કરે એ માટે હું ખૂબ ઉત્સુક અને પ્રયત્નરત છું. દેશની ખાતર રમતી વેળાએ મારો ઉદ્દેશ માત્ર દેશનું નામ રોશન કરવાનો હોય છે”.
એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા 18 વર્ષીય પ્રજ્ઞાનંધાનો પ્રિય વિષય ગણિત છે અને નવરાશની પળોમાં તે ટીવી જોવાનો કે સંગીત સાંભળવાનો શોખ ધરાવે છે. ચેસ ચેમ્પિયનની નમ્રતાથી વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા અને પોતાના સપનાઓ સાકાર કરવા પ્રેરિત થયા હતા. અદાણી વિદ્યામંદિર બાળકોની પ્રેરણાર્થે અવારનવાર વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોને આમંત્રિત કરે છે. જે અંતર્ગત અત્યારસુધી તેમાં અનેક જાણીતી હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે.
આજે રમતગમત વૈકલ્પિક નહીં પરંતુ મુખ્ય વિષય તરીકે ઉભરી આવી છે. ચેસની રમતમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાનદાર પ્રદર્શન કરતા થયા છે. પ્રજ્ઞાનાનંદની સફળતાએ દેશભરના લાખો યુવાઓને ચેસમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા છે. તેવામાં વિદ્યામંદિરની તેમની મુલાકાત બાદ વિદ્યાર્થીઓ ઈન્ડોર ગેમ્સમાં પણ કારકિર્દી બનાવવાના ઉત્સુક બન્યા છે.






Leave a comment