દેશમાં નોકરીઓની સ્થિતિ ચિંતાજનક છે. ચાર વર્ષમાં ખાનગી સેક્ટરમાં નવી નોકરીમાં 3.1%નો ગ્રોથ નોંધાયો, જ્યારે આર્થિક વૃદ્ધિદર 4.5%ની આસપાસ હતો. પ્રી-કોવિડ લેવલની તુલનામાં 2,975 કંપનીઓમાંથી 49.44%માં 8.2 લાખ રોજગારી ઘટી હતી. બાકીની 1,504 કંપનીઓમાં 17.4 લાખ નવી ભરતી થઇ. કુલ મળીને નોકરીમાં 9.2 લાખ જ વૃદ્ધિ થઇ. બેન્ક ઑફ બરોડાના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર આઇટી, ફાઇનાન્સ, રિટેલ સહિત માત્ર 6 સેક્ટરમાં જોબ ગ્રોથ ચાર વર્ષની સરેરાશ કરતાં વધુ રહ્યો હતો. જોકે 8 સેક્ટરમાં જૉબ ગ્રોથ 2.5%થી ઓછો રહ્યો હતો. કુલ 14 સેક્ટરની કંપનીઓમાં નોકરીઓ ઘટી છે.
ટેલિકોમ, ઑટોમોબાઇલ તેમજ એન્સીલરી સેક્ટર્સમાં સૌથી વધુ નોકરી ઘટી છે. કોવિડ પહેલાં તેમાં 7.06 લાખ નોકરીઓ હતી જે 34.13% ઘટીને 4.65 લાખ જ બચી છે. વાર્ષિક 8.35%નો ઘટાડો થયો હતો.
ભાનુ તાપડિયા, પ્રોટેલેન્ટ, જૉબ કન્સલટન્સી ફર્મ-ભાસ્કર એક્સપર્ટઃ પ્રી-કોવિડ લેવલ પર પહોંચવામાં હજુ સમય
કંપનીઓએ કોવિડ દરમિયાન મોટા પાયે લોકોની છટણી કરી હતી કારણ કે તેઓની પાસે કંપનીઓને બચાવવા માટે બીજો કોઇ વિકલ્પ ન હતો. જોકે કંપનીઓ હવે હાયરિંગ પણ કરી રહી છે. પ્રી-કોવિડ લેવલ સુધી પહોંચવામાં હજુ સમય લાગશે.
કોર્પોરેટ સેક્ટરમાં 1 વર્ષમાં નવી નોકરી 20% ઘટી
દેશના કોર્પોરેટ સેક્ટરમાં 81.2 લાખ કર્મચારી છે. એક વર્ષમાં 3.9 લાખ જ નવી નોકરીનું સર્જન થયું છે. જાણકારો અનુસાર આ સંખ્યા રોજગાર ઇચ્છતી મોટી વસતીને જોતા ખૂબ જ ઓછી છે. 2022માં 4.9 લાખ લોકોને નોકરી મળી હતી.






Leave a comment