વડોદરામાં હરણી તળાવમાં બોટ ડૂબી જતાં સર્જાયેલી દુર્ઘટના બાદ રાજ્યભરમાં જ્યાં બોટિંગની સેવાઓ કાર્યરત છે. તે વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી સલામતીનાં સાધનો પુરતા છે કે કેમ? તે અંગે તપાસ કરી લાઇફ જેકેટ અંગે કડક સુચના આપવામાં આવી હતી. દ્વારકામાં ગોમતી નદી તેમજ શિવરાજપુર બીચ ખાતે તેમજ બેટ દ્વારકા ખાતે ફેરી બોટ સર્વિસમાં બોટમાં મર્યાદિત સંખ્યામાં યાત્રિકોને બેસાડવા તેમજ લાઇફ જેકેટ ફરજિયાત પહેરાવવા તાકીદ કરવામાં આવી હતી.
હરણી નદીના અકસ્માત બાદ આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા દ્વારકા ખાતે ચાલતી ગોમતી નદીમાં રાઇડ્સ તથા શિવરાજપુર ખાતે ચાલતી રાઇડ્સ પરના સંચાલકોને સુરક્ષા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા તથા લાઈફ જેકેટ અંગે કડક સૂચના આપવામાં આવી હતી. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં સંખ્યા કરતા વધારે ન બેસાડવા તેમજ ફેરીબોટમાં બેસતા દરેક વ્યક્તિને લાઈફ જેકેટ ફરજિયાત પણે પહેરાવવા અંગે તંત્ર જાગૃત બની હતી.
દ્વારકા ગોમતી કાંઠે દ્વારકા પોલીસ દ્વારા પણ સતર્કતાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ રાઇડ્સ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે તમામ લોકો રાઈડ દરમિયાન લાઈફ જેકેટ પહેરીને જ બોટિંગ કરે. લાઈફ જેકેટ વગર કોઈપણ રાઇડીંગ થયું તો તે સંચાલક વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.
રાજકોટઃ રાજકોટમાં જામનગર રોડ ઉપર ઇશ્વરીયા મહાદેવ મંદિર નજીક ઇશ્વરિયા ફલાવરવેલી નજીક તળાવમાં લોકોનાં મનોરંજન માટે બોટિંગની સુવિધા જયાં શરૂ કરવામાં આવી છે. ત્યાં પણ આજે બોટની ચકાસણી કરી વહીવટી તંત્ર દ્વારા સહેલાણીઓને ફરજિયાત લાઇફ જેકેટ પહેરાવવાની સુચના આપવામાં આવી હતી. બોટની સંખ્યા પુરતી છે કે કેમ? તે વિશે જાણકારી મેળવવામાં આવી હતી.






Leave a comment