ગુજરાતમાં ભાજપે 2024ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું

દેશમાં આ વર્ષે યોજાનાર 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતમાં પોતાનું ચૂંટણી અભિયાન શરુ કરી દીધુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે.પી નડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારની નામની પણ જાહેરાત કરી છે.

ભાજપે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયોનું ઉદ્ધાટન કર્યું

ગુજરાતમાં ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે ત્યારે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે 2024ની લોકસભાની ચૂંટણીના પ્રથમ ઉમેદવાર તરીકે  કેન્દ્રિય મંત્રી અમિત શાહના નામ પર મહોર મારી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે.

લોકસભાની ચૂંટણીને લઈને ત્રણ સભ્યોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. આ સાથે જ સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે જેમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક તરીકે નાયક, ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલને જવાબદારી સોંપાઈ હતી જ્યારે સહસંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડીયાને જવાબદારી આપવામાં આવી હતી.

કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે : કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ

આ સાથે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે લોકસભા બેઠકનું મધ્યસ્થ કાર્યલય ખોલવામાં આવ્યું હતું, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં 1 બેઠકમાંથી 156 બેઠકો સુધી પહોંચી ગયા છીએ અને કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે.

Leave a comment

Trending