નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) એ ગ્રેડ સિસ્ટમ હટાવી

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ની કારોબારી સમિતિએ 27 જાન્યુઆરી 2024ના રોજ યોજેલી 104મી બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ગ્રેડેશનને બદલે લેવલ સિસ્ટમ લાગુ કરવામા આવશે. આ સિસ્ટમમાં લેવલ 1થી 5 નક્કી કરવામાં આવ્યા છે. જેમાં લેવલ 1માં પરિપક્વતા આધારિત ક્રમાંકિત માન્યતા, લેવલ- 4 એટલે નેશનલ એક્સેલન્સની સંસ્થાઓ અને લેવલ- 5 એટલે વૈશ્વિક સ્તરની સંસ્થાઓ માનવામાં આવશે. આથી A ગ્રેડ મેળવવા સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓની ભાગદોડ ખતમ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 22 સરકારી અને 58 ખાનગી યુનિવર્સિટી છે.

કોર્ષની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે

આ ઉપરાંત વન નેશન વન ડેટા પ્લેટફોર્મ એટલે કે NAACની વેબ સાઈટ પરથી જ દેશની તમામ શ્રેષ્ઠ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પેટન્ટ સહિતની સિદ્ધિ, શૈક્ષણિક સંસ્થાનોમાં થતાં કોર્ષની માહિતી સહિતની બાબતો એક જ જગ્યાએથી મળી રહેશે.

એક્રેડીએટેડ અને નોટ એક્રેડીએટેડ 2 ધારાધોરણો નક્કી કરાયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020)ના અમલીકરણ દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ઝડપથી બદલાઈ રહી છે. જેમાં આગામી વર્ષ 2037 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50% GER (ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો)નું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. ત્યારે ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ગુણવતાયુક્ત સંસ્કૃતિનું નિર્માણ થાય તે માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ગ્રેડેશન પદ્ધતિ દૂર કરી એક્રેડીએટેડ અને નોટ એક્રેડીએટેડ એમ 2 ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જેનાથી હવે સર્વાધિક A ગ્રેડ મેળવવાની સરકારી – ખાનગી યુનિવર્સિટીની ભાગદોડ ખતમ થશે અને ઉચ્ચ ગ્રેડ મેળવવા માટે થતાં ખોટા કરોડોના ખર્ચ બંધ થશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ છેલ્લે NAAC એક્રેડીએશન માટે માત્ર રંગરોગાન પાછળ રૂ.94 લાખ ખર્ચી નાખ્યા હતા.

સમિતિનો પ્રાથમિક અહેવાલ ભારત સરકારની વેબસાઇટ પર મૂકાયો

માન્યતા અને રેન્કિંગ ભારતમાં ઉચ્ચ શિક્ષણના પરિવર્તનનો એક અભિન્ન ભાગ છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાઉન્સેલિંની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નવેમ્બર 2022માં મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા ડો.કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી એક સર્વોચ્ચ સમિતિની રચના કરી હતી. સમિતિનો પ્રારંભિક અહેવાલ જાહેર પરામર્શ માટે ભારત સરકારની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો. હિતધારકો તરફથી મળેલા અનેક પ્રતિસાદને સમાવીને અંતિમ અહેવાલ ભારત સરકારના શિક્ષણમંત્રીને રજૂ કરવામાં આવ્યો હતો. જે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા 16 જાન્યુઆરી 2024ના સ્વીકારવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના સત્તાધીશો પર તડાપીટ બોલી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગત તા.12.02.2002માં ફોર સ્ટાર મળ્યા હતા. કારણ કે, ત્યારે સ્ટાર સિસ્ટમ હતી. જે બાદ ગ્રેડ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેમાં તા.08.03.2009માં B ગ્રેડ અને તા.24.09.2014ના A ગ્રેડ મળ્યો હતો. એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની પ્રથમ A ગ્રેડ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી હતી. જોકે, બાદમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરિક રાજકારણમાં સંકલનના અભાવે ગત તા.23.02.2021ના A ગ્રેડ ગગડીને B ગ્રેડ પહોંચી જતા યુનિવર્સિટીના સત્તાધીશો પર તડાપીટ બોલી હતી.

રૂ.94 લાખનો ખર્ચ છતાં ગ્રેડ ગગડ્યો હતો

ઉલ્લેખનીય છે કે, છેલ્લે ડો. નિતીન પેથાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે રંગરોગાન, બ્યુટીફિકેશન સહિતનાં કામ માટે રૂ.94 લાખનો અધધ ખર્ચ કર્યો હતો. જોકે બાદમા ગ્રેડ ગગડ્યો હતો. હવે NAAC દ્વારા ગ્રેડ સિસ્ટમ દૂર કરી લેવલ સિસ્ટમ દાખલ કરવામાં આવતા ઉચ્ચ ગ્રેડ મેળવવા થતો કરોડોનો ખર્ચ બંધ થશે અને નાણાનો ખોટો વેડફાટ થતો પણ અટકી જશે.

Leave a comment

Trending