મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ કેન્સરની વધતી જતી ગંભીરતા વચ્ચે સરકાર સજાગ બની છે. અને વચગાળાના બજેટમાં પણ તેને જોગવાઈ કરવામાં આવી છે. ૯ થી ૧૪ વર્ષની છોકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે મફત રસીકરણનું પણ આયોજન છે. આ રોગને સાઇલેન્ટ કિલર કહેવામાં આવે છે, કેમકે શરૂઆતમાં કોઈ મોટા લક્ષણો જોવા નથી મળતા. જી.કે.જન.અદાણી હોસ્પિટલના સર્વાઇકલ કેન્સરની પ્રાથમિક ચકાસણી કરવામાં આવે છે.
૪થી ફેબરુઆરી કેન્સર ડે નિમિતે જી.કે.ના સ્ત્રીરોગ વિભાગના ડો.ઋષિકેશ સુરાણીના જણાવ્યા મુજબ, સર્વાઇકલ કેન્સર માટે પેપ સ્મિયરની પ્રાથમિક ચકાસણીમાં આ રોગની શંકા જણાય તો, બાયોપ્સી લઈ સર્વાઇકલ કેન્સરનું નિદાન થાય છે. જો શરૂઆતનો સ્ટેજ હોય તો અત્રે ઓપરેશન થઈ શકે છે. આ એક એવા પ્રકારનું કેન્સર છે જે ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે, તેનું સ્વરૂપ હ્યુમન પેપિલોમાં વાયરસના કારણે થાય છે.
આ રોગ હોવાના પ્રાથમિક લક્ષણો અંગે તબીબોએ જણાવ્યું કે,માસિક ધર્મમાં અનિયમિતતા અને તે દરમિયાન વધુ લોહી વહી જવું ,મેનોપોઝ પછી અને સબંધ પછી પણ રક્તસ્રાવ, પેશાબ કરતી વખતે દુખાવો, પીઠના નીચેના ભાગમાં દુખાવો વિગેરે લક્ષણો છે.
આ રોગથી બચી કેમ શકાય તે અંગે ડો.ચાર્મી પાવાણી અને ડો.વિનોદ મકવાણાએ કહ્યું કે, મહિલાઓએ દર ત્રણ વર્ષે સર્વાઇકલ કેન્સરની તપાસ કરાવવી જોઈએ.રસીકરણ અસરકારક સાબિત થાય છે. એચ.પી.વી.વેક્સિન લેવી જોઈએ.જેથી ભવિષ્યમાં ચેપ લાગતો નથી.૧૧ વર્ષ થી ઉપર અને ૨૬ વર્ષની ઉંમર સુધી રસી લઈ શકાય. જો ૨૬ વર્ષ સુધી વેક્સિન ના લીધી હોય અને પછી લેવાય તો નવા ચેપ થી બચી શકાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ રોગના અટકાવ માટે સક્રિય છે.વર્ષ ૨૦૨૪ માટે “close the care gap”નું સૂત્ર આપી સંભાળ માટે બધું જ કરી છૂટવા વિશ્વને જણાવ્યું છે. ભારતે પણ તેને ગંભીરતાથી લઈ વચગાળાના બજેટમાં પણ જોગવાઈ કરી છે.
આ ઉપરાંત કેન્સર ડે નિમિતે તબીબોએ જણાવ્યું કે, જી.કે.માં સ્તન કેન્સર માટે મેમોગ્રાફી, ગર્ભાશય અને અંડાશયના કેન્સરની પણ જાંચ થાય છે.






Leave a comment