ભારતમાં અઢી દાયકામાં ડાયાબીટીઝ, કેન્સર, હાર્ટ એટેકથી મૃત્યુ બમણાં થયા

– કોરોનાથી અનેકગણા વધુ,દેશમાં ૬૧ ટકા મોત અયોગ્ય જીવનશૈલીથી થતા રોગોથી

– ઈ.૨૦૨૩ના રિપોર્ટ મૂજબ વિશ્વમાં વર્ષે આશરે ૪૧૦ લાખથી વધુ લોકોના મૃત્યુમાં સૌથી વધુ ૧૮૦ લાખ હૃદયરોગથી થયા

કોરોના મહામારી વિશ્વભરમાં પ્રસરી તેને ચાર વર્ષ થયા અને ડિસેમ્બર-૨૦૧૯માં તે કોવિડ-૧૯ તરીકે જ્યારે પ્રથમવાર જાહેર થયો ત્યારે લોકોમાં ગભરાટનો માહૌલ પ્રસર્યો હતો પરંતુ, કોરોનાથી ચાર વર્ષમાં સત્તાવાર ૭૦ લાખ મૃત્યુ થયા છે ત્યારે આ સમયમાં એન.સી.ડી.થી આશરે ૧૬૫ લાખ મૃત્યુ થયા છે અને આ રોગનો છતાં એટલો ડર નથી.રાજ્યસભામાં આજે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સરકારે એક રિપોર્ટને ટાંકીને આપેલી માહિતી મૂજબ  ગત ૨૬  વર્ષમાં હૃદય રોગ (સીવીડી), કેન્સર અને ડાયાબીટીઝ એ મુખ્ય ત્રણ બીનચેપી રોગો (નોન કોમ્યુનિકેબલ ડીસીઝ અર્થાત્ એન.સી.ડી.) થી ભારતમાં નીપજતા મૃત્યુનું પ્રમાણ આશરે બમણું થઈ ગયું છે.

આઈ.સી.એમ.આર.ના છેલ્લા અભ્યાસ મૂજબ હૃદયરોગથી અગાઉ ૬.૯ ટકા લોકોના મૃત્યુ થતા તે વધીને ૧૪.૧ ટકા થયા છે તો કેન્સરથી ૪.૧૫ ટકાના મૃત્યુ વધીને ૮.૩૦ ટકા અને ડાયાબીટીસથી ૧૦ ટકાના મૃત્યુ નોંધાતા તે ૧૩૦ ટકા વધીને ૨૩.૧ ટકા થયા છે. ભારતમાં એન.સી.ડી.થતા કૂલ મૃત્યુ ૧૯૯૦માં ૩૭.૯ ટકા હતા તે વધીને ૬૧.૮ ટકા થયા છે.

આનો અર્થ  એ કે મહામારી કે અકસ્માતો કરતા પણ આ રોગ લોકોના વધુ જીવ લઈ રહ્યા છે અને તે પણ અસહ્ય પીડા અને ખર્ચનો બોજો વધારીને.આરોગ્ય મંત્રાલયે આ રોગ અટકાવવા સ્ક્રીનીંગ સહિત અનેક યોજનાઓ પણ જણાવી છે.

બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જારી કરેલા એક રિપોર્ટ મૂજબ વિશ્વમાં આવા રોગ દર વર્ષે ૪૧૦ લાખ લોકોના મોત નીપજાવે છે અને તેમાં સૌથી વધારે ૧૭૯ લાખ મૃત્યુ હાર્ટ એટેક (કાર્ડિયોવાસ્ક્યુલર ડીસીઝ)થી થાય છે. બીજા નંબરે ૯૩ લાખ મૃત્યુ કેન્સરથી, ૪૧ લાખ શ્વાસોશ્વાસની બિમારીથી અને ૨૦ લાખ ડાયાબીટીઝથી મૃત્યુ પામે છે.વિશ્વભરમાં અનેકવિધ કારણોથી વર્ષે કૂલ માનવ મૃત્યુ નોંધાય છે  તેમાં ૭૪ ટકા આવા નિવારી શકાય તેવા રોગથી થાય છે.

લોકો તમાકુ,દારૂથી આવી બિમારી થાય તે મોટાભાગે જાણતા હોય છે, પરંતુ,રિસર્ચ મૂજબ તે ઉપરાંત વર્ષે ૧૮ લાખ મૃત્યુ વધારે પડતું મીઠું (નમક,સોડિયમ)  ખોરાકમાં લેવાથી ૮.૩૦ લાખ મૃત્યુ આળસુ પ્રકૃતિ અર્થાત્ બેઠાડુ જીવનથી થાય છે. જ્યારે દારૂથી બિમારી થતા મૃત્યુ ૧૫ લાખથી વધારે છે.

Leave a comment

Trending