દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોનું મૂલ્યાંકન કરતા NAAC (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ) દ્વારા ગ્રેડને બદલે લેવલ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેમાં કોઈ એક માપદંડ પર દેશની દરેક સંસ્થાઓનું મૂલ્યાંકન નહીં થાય. જેનો ફાયદો છેવાડાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને થશે. લેવલ સિસ્ટમમાં NEP (નવી શિક્ષણ નીતિ) મુજબનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ગ્રીન પહેલ, સામુદાયિક શિક્ષણ, સંશોધન-નવીનતા, સહ અભ્યાસિક પ્રવૃતિઓ ફરજિયાત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી અધ્યાપન સાથે સંશોધન કરતી સંસ્થાઓ માટે લેવલ- 3 સુધી પહોંચવું પડકાર ગણાશે.
એક જ માપદંડથી યુનિવર્સિટી કે કોલેજનું મૂલ્યાંકન ન થઈ શકે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના IQAC (ઇન્ટર્નલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ)ના કો-ઓર્ડીનેટર ડૉ. સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2024થી NAAC (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ)માં ઘણા બધા બદલાવ આવી રહ્યા છે. NAAC એ NAC (નેશનલ એક્રેડીટેશન કાઉન્સિલ) બની જશે. પહેલા 7 ક્રાઇટ એરિયા મૂજબ યુનિવર્સિટી અને કોલેજોનું મૂલ્યાંકન થતું હતું. જોકે હવે રાધાકૃષ્ણન કમિટીના રીપોર્ટ મુજબ તેઓ કોલેજ કે યુનિવર્સિટીની ચોક્કસ તાકાત શું છે તેનુ મૂલ્યાંકન કરવામાં આવશે, એટલે કે કોઈ છેવાડાના વિસ્તારની કોલેજ કે યુનિવર્સિટી કે જે આદિજાતિ વિદ્યાથીઓને અભ્યાસ કરાવતી હોય તો તેની સરખામણી શહેરની કોઈ યુનિવર્સિટી સાથે ન થઈ શકે. એટલે કે એક જ માપદંડથી દેશની તમામ યુનિવર્સિટી કે કોલેજનું મૂલ્યાંકન ન થઈ શકે. જેથી બદલાવ લાવવામાં આવ્યો છે.
5મું લેવલ ગ્લોબલ રેન્કિંગ યુનિવર્સિટીનો છે
જેમાં લેવલ-1 એટલે કે પહેલાં તબક્કામાં એવું કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટી કે કોલેજ એક્રેડીએટેડ છે કે નહીં તે જોવામાં આવશે. જેને બાઈનરી મોડ કહેવામાં આવે છે. જે બાદ એટલે કે ડિસેમ્બર 2024 બાદ લેવલ સિસ્ટમ આવી જશે. જેમાં 1થી 5 લેવલ છે. જેમાં 5મું લેવલ એ ગ્લોબલ રેન્કિંગ યુનિવર્સિટીના છે. ચોથા લેવલમાં એ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ આવશે કે જેઓ ઇન્ટર કે મલ્ટી ડીસીપ્લીનરી રીસર્ચ કરે છે.
પ્રવૃત્તિઓ અને વધારાની અભ્યાસક્રમની પ્રવૃત્તિઓનું માપદંડ
જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને તેનાં જેવી વિશ્વ વિદ્યાલયો ટિચિંગ અને રીસર્ચ યુનિવર્સિટી અંતર્ગત આવે છે. જેથી સૌ પ્રથમ લેવલ- 3 ટાર્ગેટ કરવું જોઇએ. લેવલ- 3 માટે 10 ક્રાઈટ એરિયા આવશે. જેમાં પર્યાવરણ અંતર્ગત કોઈ સંસ્થા શું કામ કરે છે તે બેસ્ટ પ્રેક્ટિસીઝની અંતર્ગત આવતું હતું. જોકે હવે ગ્રીન ઇનીસીએટિવ નામનો જુદો જ માપદંડ અપાયો છે. પહેલાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે ગવર્મેન્ટ ફાઇનાન્સ આવતું હતું. જોકે હવે કોઈ સંસ્થા પોતાનું ફાઇનાન્સ કઈ રીતે ઉભુ કરે છે તેવો જુદો ક્રાઈટ એરિયા આવી ગયો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ઉપરાંત સહ અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ અને વધારાની અભ્યાસક્રમની પ્રવૃત્તિઓનું માપદંડ રખાયું છે.
દેશમાં 40 યુનિવર્સિટી NAACની ચોથા મૂલ્યાંકન સુધી પહોંચી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો 5 જિલ્લામાં છે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દીવ કે જ્યાં છેવાડાના વિસ્તારની કોલેજો પણ છે. જ્યાં ભણતા વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાકાત બની રહેશે. જ્યારે દેશમાં 40 યુનિવર્સિટી જ એવી છે કે જે NAACની 4th સાયકલ એટલે કે ચોથા મૂલ્યાંકન સુધી પહોંચી છે. જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક છે.






Leave a comment