સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી દિવસ દરમિયાન RTOનું સર્વર ઠપ રહે છે, જેના કારણે નવા લાયસન્સ માટે અને લાયસન્સ રિન્યૂ કરાવવા માટે અરજી થઈ શકતી નથી પરંતુ, સાંજે 6 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી સર્વર ચાલુ રહેશે અને અરજદારો નવા લાયસન્સ માટે કે લાયસન્સ રિન્યૂ કરાવવા માટે અરજી કરી શકશે. છેલ્લા એક અઠવાડિયાથી સર્વર ઠપ થઇ જતા હજારો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, જેનો નિકાલ આવી રહ્યો નથી.
ગુજરાતના તમામ RTOમાં કામગીરી અટકી પડી
છેલ્લા એક અઠવાડિયાથી સર્વર બંધ થવા બાબતે જ્યારે દિવ્ય ભાસ્કર દ્વારા RTO અધિકારી સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી ઓપરેટ થાય છે અને ફક્ત અમદાવાદ RTO જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતના તમામ RTOમાં કામગીરી અટકી પડી છે. સર્વર બંધ થવાને કારણે નવા લાયસન્સ માટે અથવા જૂના લાઈસન્સને રીન્યૂ કરાવવા માટે અરજદારો અરજી કરી શકતા નથી પરંતુ, એપ્લિકેશનમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે, સવારના 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લાયસન્સની અરજી કરવા માટે જે વેબસાઇટ બનાવવામાં આવી છે, તે મેન્ટેનન્સ હેઠળ છે. જેની જાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
હજુ આગામી કેટલાક દિવસ સુધી સર્વર બંધ રહેશે
અમદાવાદ RTO અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી નવા લાયસન્સ માટે અને લાયસન્સ રીન્યૂ કરાવવા માટેની અરજી થઇ શકતી નથી પરંતુ, હજુ પણ આગામી 10 દિવસ સુધી નવા લાયસન્સ કે લાયસન્સ રીન્યૂ કરવા માટે આપવી પડતી ટેસ્ટ માટે અરજદારો દ્વારા તારીખ લેવામાં આવી છે. જેથી, નવા લાયસન્સ માટે ઓનલાઇન અરજી થઈ શકતી નથી પરંતુ, જે લોકોએ પહેલેથી તારીખ લીધી છે તેમના ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ જ રહેશે. તદુપરાંત દિવ્ય ભાસ્કર દ્વારા જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું કે, આગામી કેટલા સમય સુધી સર્વર બંધ રહેવાની શક્યતાઓ છે ત્યારે જણાવવામાં આવ્યું હતું કે, એપ્લિકેશન માટે જે વેબસાઇટ બનાવવામાં આવી છે તે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર(NIC) હસ્તક છે. તેથી હજુ આગામી કેટલાક દિવસ સુધી સર્વર બંધ રહેશે, તે બાબતે કોઈ ચોક્કસ માહિતી આપી શકાય તેમ નથી.\






Leave a comment