જી.કે.જન.અદાણી હોસ્પિ.ના સર્જરી વિભાગે બરોળ દૂર કરી અને લીવરમાં પેક મૂકી કરી સફળ શસ્ત્રક્રિયા

માર્ગ અકસ્માતમાં ઘવાયેલા યુવાનના પેટના  આંતરિક ભાગમાં યકૃત(લીવર) અને બરોળમાં(સ્પલીન)થયેલી જીવલેણ કહી શકાય તેવી ગંભીર ઈજા પછી તેને બચાવવા બરોળ કાઢી લઈ અને લીવરમાં પેક મૂકવા તાત્કાલિક ઓપરેશન કરી, જી.કે.જનરલ અદાણી  હોસ્પિટલના સર્જરી વિભાગે યુવાનને જીવતદાન આપ્યું હતું.

     જી.કે.ના સર્જન ડો. આદિત્ય પટેલે  સર્જરી બાદ દર્દીને સજો કરીને ડિસ્ચાર્જ આપ્યા પછી કહ્યું કે, ૨૧ વર્ષના પંકજકુમારને અકસ્માતમાં ઈજા થયા પછી તેને આ હોસ્પિટલના ઇમરજન્સીમાં દાખલ કર્યો ત્યારે તેના જુદા જુદા રિપોર્ટસના અંતે જાણવા મળ્યું કે, તેનામાં લોહીનું પ્રમાણ માત્ર ચાર ટકા જ હતું. ઉપરાંત લીવર અને બરોળમાં પણ સખત ઈજાને કારણે બંને અવયવોમાંથી  લોહી પેટના આંતરિક ભાગમાં વહી રહ્યું હતું.

    મેડિકલ વિજ્ઞાનની દ્રષ્ટિએ લીવરમાંથી લોહી વધુ વહી જવાને કારણે ગ્રેડ ત્રણ પ્રકારની અને બરોળમાં ગ્રેડ ચાર પ્રકારની ઇજા થઈ હતી. જો બરોળમાં આવી ઇજા થાય તો તેને કાઢી નાખવું પડે કેમકે તેને બીજી કોઈ સારવાર આપી ન શકાય અને લીવરમાં લોહી વહેતું હોય તો પેક  મૂકીને લોહી બંધ કરવું પડે એવી પરિસ્થિતિમાં તેનું તાત્કાલિક ઓપરેશન કરી બરોળ દૂર કરવામાં આવ્યું અને યકૃતમાં પેક મૂકી દેવાઈ.

     આ શસ્ત્રક્રિયામાં જોડાયેલા ડો. દેવાંશી,ડો.કિશન મીરાણી,ડો.યશ પટેલ અને ડો. યશોધર પટેલે જણાવ્યું કે, બરોળનું કામ લોહીમાં રહેલા અશુધ્ધ કોષને શુદ્ધ કરવાનું  છે.જેના માટે વેક્સિનેસન કરવામાં આવ્યું.જેથી બરોળની પૂરતી કરી શકાય.

     દર્દીને દાખલ કરવાની સાથે જ તેમજ ઓપરેશન બાદ એમ કુલ ૨૫ દિવસ આઇ.સી.યુ.સહિતની તમામ સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.આ ગંભીર ઇજા ઉપરાંત તેને સાથળમાં ફ્રેકચર અને ન્યૂમોનિયાની અસર પણ થઈ હતી.સારવાર માટે મેડીસિન, એનેસ્થેસિયા અને ઓર્થો વિભાગ પણ સહયોગી રહ્યા હતા. આમ અકસ્માતમાં મલ્ટીપલ ઇજા છતાં સહિયારા પ્રયાસથી યુવાન બચી ગયો.

Leave a comment

Trending