પરીક્ષાનો ડર,દબાણ કે તણાવ રાખવાને બદલે મહેનત કરવાથી ધાર્યું લક્ષ સાધી શકાય

પરીક્ષાની મોસમ આવી રહી છે. દરેક વિદ્યાર્થીઓએ તૈયારી તો કરી જ હોય છે, છતાં ક્યાંક છૂપો ડર, તણાવ  કે દબાણ  રહેતું હોય છે ત્યારે આવા દબાણથી દૂર રહી, પરીક્ષામાં શ્રેષ્ઠ કેમ આપવું એ અંગે અદાણી મેડિકલ કોલેજના આસિ.ડીન દ્વારા માગૅદશૅન આપવામાં આવ્યું છે.

ગેઈમ્સના આસિ.ડીન.ડો.અજિત ખીલનાનીએ કહ્યું કે, પ્રફુલ્લિત રહીને અભ્યાસમાં ચિત લગાવી વાંચવું અને અભ્યાસક્રમનું પુનરાવર્તન કરવું જોઈએ અને પરિણામ કેવું આવશે એની લગીરે ચિંતા કર્યા વગર મહેનત કરવામાં આવે તો ચોક્કસ ધાર્યું લક્ષ્ય સાધી શકાય છે.

તેમના જણાવ્યા અનુસાર આખું વર્ષ શાળામાં અભ્યાસ કર્યો હોય, નિયમિત વાંચન હોય, હોમવર્ક પણ કર્યું હોય ત્યારે મિત્રો સાથે અભ્યાસનું અને જે વાંચેલું હોય તેની ચર્ચા  કર્યા પછી ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી. નિશ્ચિંત બનીને બાકીના સમયમાં નોટ્સનું પુનરાવર્તન કરતા રહેવું. જો બરાબર તૈયારી કરી હોય તો પરીક્ષાથી ડરવું નહીં.

પરીક્ષાના દિવસોમાં દિનચર્યાનું ખુબ મહત્વ હોય છે. દિનચર્યા વ્યવસ્થિત રાખી  અભ્યાસની સાથે  વ્યાયામ, ખેલકુદ અને મનોરંજન પણ સામેલ કરવાથી ચિત પ્રફુલ્લિત અને ઉર્જાવાન રહે છે, જેથી જે વાંચશો તે યાદ રહી જશે. આ તબક્કે યોગ્ય ખાણીપીણી ઉપર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે.

એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીઓ મોડી રાત સુધી અભ્યાસ અને વાંચન કરતા હોય છે. જેથી સવારે મોડા ઊઠે છે અને દિનચર્યાનું ચક્ર ફરી જાય છે.  વિદ્યાર્થીનું શારીરિક તથા માનસિક સંતુલન આવા સમયમાં બગડી જાય છે. જે કોઈને મોડી રાત સુધી વાંચવાની ટેવ હોય તો સુધારી લેવી આવશ્યક છે.

પરીક્ષા સમય દરમિયાન બાળકો સાથે માતા-પિતાની પણ એટલી જ જવાબદારી હોય છે. તેઓ ઘણીવાર બાળકો ઉપર દબાણ કે તણાવ વધારી દેતા હોય છે. ભલે તેમનો  ઈરાદો સારો હોય છે. બાળકોનું ભવિષ્ય સુધરે તેમાં  તેમને રસ હોય છે. પણ દબાણ અને બીજાની તુલના યોગ્ય નથી. આવા સમયે બાળકોની તુલના કે દબાણ સિવાય અભ્યાસ સાથે જ્ઞાન, સૂઝ બુઝ વધારવાની કોશિશ  વાલીઓએ કરવી જોઈએ તો તેનું પરિણામ સારું આવશે.

મહત્વની વાત એ છે કે પરીક્ષામાં કેટલા ટકા આવશે તેની પરવા કરવાને બદલે માત્ર ચિત લગાવીને અભ્યાસ કરવો જોઈએ અને એ પણ યાદ રાખવું જોઈએ કે, એક પરીક્ષા વિદ્યાર્થીની પ્રતિભા ઉપર અસર નથી કરતી. વિદ્યાર્થીઓને જેમાં રસ રુચિ હોય, તેમાં દિલ લગાવી પ્રયત્ન કરવાથી જરૂર સફળતા મળે છે.

Leave a comment

Trending