કચ્છમાં આ વખતે શિયાળામાં દર વર્ષની સમાંતર ઠંડીનો પારો માધ્યમ સ્તરે યથાવત રહેતા જનજીવનને ઉગ્ર શીત મહોલથી રાહત મળી હતી. જોકે, વર્ષના આખરના દિવસોથી ઉતરાયણ સુધીના પખવાડિયા દરમિયાન ઠંડીએ એકધારી પકડ જમાવી હતી, ત્યારબાદ આંશિક રાહત સાથે ધીરે ધીરે તાપમાન ઉષ્ણ બનતું ગયું હતું અને ચાલુ માસની શરૂઆતમાં જાણે ઉનાળાના દિવસો શરૂ થયા હોય તેમ મધ્યાહને તાપમાન 35 ડિગ્રીએ પહોંચી ગયું હતું. અલબત્ત હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતી ઠંડીએ ફરી જિલ્લામાં શિત માહોલ ઉભો કરી દીધો છે. આજે છેવાડાના નલિયામાં ફરી લઘુતમ તાપમાન 9.3 ડિગ્રી સાથે સિંગલ ડિજિટમાં અંકિત થયું હતું, તો જિલ્લા મથક ભુજનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું.
ઉતરી દિશાએથી ફૂંકાતી શિત લહેરોના પ્રતાપે સૂકા રણ પ્રદેશ ધરાવતા સરહદી જિલ્લામાં આખરે ફરી ઠંડક પ્રસરી છે. છેલ્લા બે દિવસથી માહોલમાં ઠંડક વર્તાઈ રહી છે. ખાસ કરીને સંધ્યાકાળથી સવાર ના અરસામાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. જ્યારે આ પહેલાના સપ્તાહે ગરમ વસ્ત્રો પહેરી વહેલી સવારે કામસર ઘરેથી નીકળી જતા લોકો બપોરના સમયે ક્ષોભની સ્થિતિમાં મુકાઈ જતા હતા. એકંદરે વેગીલા ઠંડા વાયરાએ શિયાળાની મોસમ ટકાવી રાખી છે.






Leave a comment