- વિશ્વવિદ્યાલયને શ્રેષ્ઠ બનાવવા પ્રયાસો કરાશે
- પાંચમા કાયમી કુલપતિ ડો. મોહન પટેલે ચાર્જ સંભાળતાની સાથે કાયાપલટ માટે વ્યાયામ હાથ ધર્યો
કચ્છ યુનિવર્સિટીના પાંચમા કાયમી કુલપતિ તરીકે ગુરુવારે ડો.મોહન પટેલે ચાર્જ સંભાળ્યો હતો.5 વર્ષના કાર્યકાળમાં તેમણે કચ્છ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરની ખ્યાતિ અપાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. ડો.મોહન પટેલ આણંદની આર્ટસ કોલેજમાં 20 વર્ષથી પ્રિન્સિપાલ હતા અને તેને રાજ્યની પ્રથમ ઓટોનોમસ કોલેજનો દરજ્જો અપાવ્યો છે.
હાલે કચ્છથી વિદ્યાર્થીઓ બહારગામ ભણવા જાય છે અને આણંદની કોલેજમાં પણ કચ્છી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા ત્યારે કચ્છ વિશ્વવિદ્યાલયની છાપ સુધારી વિદ્યાર્થીઓ સ્થાનીકે જ ઉચ્ચતર અભ્યાસ કરે એ પ્રથમ પ્રાથમિકતા રહેશે તેમ જણાવતા ડો.પટેલે ઉમેર્યું કે,કચ્છ યુનિ.ના કુલપતિની જવાબદારી મારા માટે વતન વાપસી છે ઉચ્ચ શિક્ષણને નવી દિશા અને નવી ઉંચાઈ સુધી લઈ જવાની તક મળી છે.
ત્યારે જ્ઞાનરૂપી શીલા આગળ વધારી અને સંસ્થાને શ્રેષ્ઠ બનાવવા પ્રયાસો કરાશે. આ પ્રસંગે રજિસ્ટ્રાર ડો.જી.એમ.બુટાણી,એડમીન વિભાગના કર્મચારીઓ, વિવિધ વિભાગના હેડ અને ફેકલ્ટી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહી શુભેચ્છાઓ આપી હતી.પ્રથમ દિવસે કુલપતિએ યુનિવર્સિટીના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી તેમજ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ સાથે બેઠક પણ યોજી હતી.
બૉક્સ 1 : ક્વોલિટી અને કવોન્ટીટી બંને જરૂરી
શિક્ષણમાં ક્વોલિટી અને કવોન્ટીટી બંને જરૂરી છે જ્યા સુધી ઉચ્ચતર અભ્યાસમાં રિસર્ચ ન થાય ત્યાં સુધી સારા અભ્યાસની ગુણવતા વિકસાવી શકાય નહીં જેથી ક્વોલિટી માટે રિસર્ચ વધારવા અને કવોન્ટીટી માટે વધુને વધુ પ્રોફેસરોની ભરતી માટે પ્રયત્નો કરવામાં આવશે.
બોક્સ 2 : અન્ય યુનિવર્સિટીઓ કચ્છ પર રિસર્ચ કરતી હોય તો આપણે કેમ નહીં ?
કચ્છ યુનિ.ને નેકની માન્યતા અપાવવા પ્રયત્નો કરાશે આ માટે રિસર્ચ વધારવું જરૂરી છે.દરેક વિભાગમાં ગાઇડ સાથે મીટીંગ કરી PhD ના વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે તે દિશામાં કામ કરવામાં આવશે.જિલ્લામાં રિસર્ચ માટે ખૂબ સંભાવનાઓ છે.અમેરિકાની યુનિવર્સિટી કચ્છ આવીને રિસર્ચ કરી શકતી હોય તો આપણી યુનિ.પાસે તો વિશેષ તક છે. PhD ના મહત્તમ વિદ્યાર્થીઓ કાર્યરત થાય તેવી ભાવના સાથે કામ કરવામાં આવશે.
બોક્સ 3 : રાજ્યપાલ સાથે આગામી રોડમેપ પર ચર્ચા
આગામી 5 વર્ષ સુધી કુલપતિ તરીકે ફરજ બજાવવા રોડમેપ અનિવાર્ય છે.જેના થકી સંસ્થાનો વિકાસ તેમજ અન્ય પ્રશ્નોને ઉકેલીને યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકાશે જેથી સોમવારે 13મા પદવીદાન સમારોહમાં હાજરી આપવા રાજ્યપાલ ભુજ આવશે ત્યારે તેમની સાથે કચ્છ યુનિ.ના આગામી કાર્યો અને રોડમેપ અંગે પણ કુલપતિ દ્વારા ચર્ચા કરવામાં આવશે.
ઉચ્ચ અભ્યાસ માટે થતું સ્થળાંતર અટકાવાશે
નવા કુલપતિએ જણાવ્યું કે,કચ્છ યુનિ.હેઠળ આવતી કોલેજોમાં શિક્ષણની ગુણવતા સુધારવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે વિધાર્થીઓનું સ્થળાંતર અટકાવવા નવા કોર્સ શરૂ કરાશે.કારણ કે જો આણંદમાં કચ્છના વિદ્યાર્થીઓ ભણે છે તો કચ્છના વિદ્યાર્થીઓ કચ્છમાં જ શા માટે ના ભણે માટે તે દિશામાં નિર્ણયો લેવાશે.કચ્છ પાસે વિશાળ દરિયા કિનારો,ખનીજ,ઉદ્યોગો,હસ્તકલા,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સહિતના સ્કોપ છે આ સબંધિત કોર્સ શરૂ કરવા પ્રયત્નો થશે સાથે જ 3 વર્ષનો જર્નાલિઝમ કોર્ષ પણ કાર્યાન્વિત કરવામાં આવશે.






Leave a comment