સપ્તાહના ચોથા દિવસે પ્રોત્સાહક કોર્પોરેટ પરિણામોની સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ચાલુ રહેતાં બજારનું સેન્ટીમેન્ટ તેજીનું રહ્યું હતું. ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ એચડીએફસી બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી સાથે ઓઈલ એન્ડ ગેસ શેરો તેમજ યુટિલિટીઝ અને એનર્જી શેરોની અગ્રેસરતામાં પાવર શેરોમાં ખરીદી કર્યા સાથે ઓટો, ટેલિકોમ્યુનિકેશન શેરોમાં આક્રમક તેજી કરી હતી. વિદેશી ફંડો તેમજ રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે ભારત તરફ વળતાં તેમજ લોકસભા ચૂંટણી આવી રહી હોવા સાથે ફુગાવાને અંકુશમાં રાખવાના સરકારના મક્કમ નિર્ધાર સાથે જીડીપી વૃદ્વિનો અંદાજ 7% મૂકવામાં આવતા ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી બાદ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.
બીએસઈ સેન્સેક્સ 227 પોઈન્ટના ઉછાળા સાથે 72050 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 98 પોઈન્ટના ઉછાળા સાથે 22015 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 350 પોઈન્ટના ઉછાળા સાથે 46440 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.93% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.24% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3938 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1504 અને વધનારની સંખ્યા 2354 રહી હતી, 80 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 6.71%, એનટીપીસી 3.58%, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 2.79%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2.46% અને એચડીએફસી બેન્ક 2.15% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક 2.11%, આઈટીસી 1.85%, હિન્દુસ્તાન યુનિલિવર 1.58%, નેસલે ઈન્ડિયા 1.32% અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ 0.79% ઘટ્યા હતા.ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 2.45 લાખ કરોડ વધીને 387.30 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓ માંથી 16 કંપનીઓ વધી અને 14 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22015 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21880 પોઇન્ટના પ્રથમ અને 21808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22088 પોઇન્ટથી 22188 પોઇન્ટ, 22202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 46440 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 46008 પોઇન્ટના પ્રથમ અને 45808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 46575 પોઇન્ટથી 46737 પોઇન્ટ, 46808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 45808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઈન્ફોસિસ લિ ( 1686 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1670 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1646 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1707 થી રૂ.1717 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1720 ઉપર તેજી તરફી ધ્યાન.
એસબીઆઈ કાર્ડ્સ ( 712 ) :- નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.733 થી રૂ.740 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.686 નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
સન ફાર્મા ( 1515 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1547 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1497 થી રૂ.1480 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1560 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
અદાણી પોર્ટ્સ ( 1272 ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1303 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1247 થી રૂ.1230 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા….
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ તેની 2024ની પ્રથમ બેઠકમાં પોલિસી રેપો રેટ અને તેના વલણ બંનેને યથાવત રાખ્યા હતા. તેમણે પોલિસી રેપો રેટને 6.5%ના સ્તરે રહેવાની મંજૂરી આપી છે. મોનેટરી પોલિસી કમિટી કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના દરને 4%ના વૈધાનિક ફરજિયાત લક્ષ્યની નજીક ટકાઉ રાખવાનો ઇરાદો ધરાવે છે.
આ દર લાંબા સમયથી નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. મોનેટરી પોલિસી કમિટીનો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં હેડલાઇન ફુગાવો સરેરાશ 5.4% રહેશે. જો કે, તે એવો પણ અંદાજ લગાવે છે કે આ દર 2024-25માં ઘટશે અને તે સરેરાશ 4.5% હોઈ શકે છે જે લક્ષ્યની નજીક હશે. આ અંદાજ બે વાતોથી ખતરો હોઈ શકે છે. પ્રથમ ખોરાકના ભાવ છે. રવિ સિઝનની વાવણીમાં સુધારો થયો હોવા છતાં, પ્રતિકૂળ હવામાન અને જળાશયોમાં પાણીનું નીચું સ્તર નજીકના ભવિષ્યમાં ઉત્પાદનને અસર કરી શકે છે.
બીજું, હાલમાં લાલ સમુદ્રના ક્ષેત્રમાં અશાંતિ અને પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવની સ્થિતિ છે. તેનાથી સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે અને કિંમતો પર દબાણ આવી શકે છે. આ જોખમો સિવાય, મધ્યસ્થ બેંક એકદમ આરામદાયક સ્થિતિમાં હોય તેવું લાગે છે. જેમ કે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી 7.3%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે અને મોનેટરી પોલિસી કમિટીનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024-25માં 7%ના દરે વૃદ્ધિ પામશે. હાલમાં, બાહ્ય ખાતા પર પણ કોઈ જોખમ દેખાતું નથી. વિકસિત અર્થતંત્ર ધરાવતા દેશોમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારે ઘટાડો કરશે તેની અટકળોમાં નાણાકીય બજારો વ્યસ્ત છે. હાલમાં દરોમાં વધારો થવાની કોઈ શક્યતા જણાતી નથી.






Leave a comment