ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં ‘નકલીકાંડ’નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા હતા.
કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં રાજ્ય સરકાર વિવિધ પ્રશ્નોના જવાબો આપી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આજે ‘નકલીકાંડ’નો મુદ્દો ગૃહમાં ઉઠાવીને હોબાળો કર્યો હતો. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષના ધારાસભ્યો વેલમાં ધસી ગયા હતા. આ મુદ્દા બાદ વિધાનસભાના સ્પીકરે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સસ્પેન્શનના હુકમને રદ્દ કરવાની માગણી કરી હતી.
તેઓએ કહ્યું કે, અમે અમારી જગ્યા પર જ ઉભા હતા, અમે વેલમાં નથી ગયા, કોઈ અસભ્ય વર્તન નથી કર્યું ફક્ત અને ફક્ત નકલીકાંડને ખુલ્લું પાડવા વિરોધ પ્રદર્શન કર્યું છે. નિયમોની આધીન પ્રદર્શન કર્યું છે. પરંતુ બહુમતીના જોરે પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ થાય ને પ્રજાનો અવાજ જ્યારે વિપક્ષ બને ત્યારે વિપક્ષને ગૃહમાંથી કેવી રીતે બહાર કાઢી મૂકવા એવો પ્રયાસ થઈ રહ્યો છે. બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા કરવા બરાબર છે. આ લોકશાહીનું મંદિર છે. અમને પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યાં ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય એનો અમને બોલવાનો અધિકાર છે. એ અધિકાર ના વાપરી શકીએ એટલે બહુમતીના જોરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને બીજી માગણીની ચર્ચા છે. જેમાં પણ સરકારનો ગેરવહીવટ અને નાણાના વેડફાટને ઉજાગર કરવાનો છે, ચર્ચામાં ભાગ ન લઈ શકીએ એટલા માટે બધાને નિયમોનું ઉલ્લંઘન કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.






Leave a comment