રાજ્યમાં સાઇબર ક્રાઇમ રોકવા એડીજીપીના તાબા હેઠળ સ્પેશિયલ એક્શન ફોર્સ રચાશે

ગુજરાતમાં સાઈબર ગુનાઓ રોકવા માટે રાજ્ય સરકાર રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની તર્જ પર સ્પેશિયલ એક્શન ફોર્સ (એસએએફ)ની રચના કરશે અને તેના વડા તરીકે એડીજીપી કક્ષાના અધિકારી તથા તેમના તાબામાં અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીની નિયુક્તિ થશે. આ ઉપરાંત ત્રિશૂળ યોજના હેઠળ સાઇબર ક્રાઇમ રોકવા 650 આઇટી અને સાઈબર એક્સપર્ટ્સની ભરતી થકી કોલ સેન્ટર કાર્યરત કરશે. માત્ર મુખ્ય ચાર શહેરો પૂરતું મર્યાદિત રહેવાને બદલે સાઈબર ગુનાઓને ડામવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ માટે યુનિટ તૈયાર કરાશે.

બુધવારે વિધાનસભા ગૃહમાં ગૃહવિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વપરાશ અને તેની જપ્તી મામલે અંદાજપત્રની ચર્ચામાં વિપક્ષી સભ્યોએ સરકારને ભીંસમાં લીધી હતી. તેના જવાબમાં સંઘવીએ કહ્યું કે ગુજરાત સરકારે ડ્રગ્સ વિરુદ્ધ હવે અભિયાન નહીં જંગ ચલાવવાનું નક્કી કર્યું છે અને નશીલા તત્ત્વોને જેર કરવા માટે ખાસ એનડીપીએસ સેલની રચના કરવામાં આવશે.

આ સેલ વિવિધ પોલીસ સ્ટેશનોને ડ્રગ્સના ગુના ઉકેલવામાં મદદ કરશે અને ઝડપથી ચાર્જશીટ તૈયાર કરાશે જેથી આરોપીઓ સામે કોર્ટમાં ખટલો તેજ ગતિએ ચાલી શકે.ગુનો બનશે તેની દસ મિનિટમાં પોલીસ પહોંચશે. ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી કે ગુના અંતર્ગત ખાસ ઇમરજન્સી સેવા 112 હેઠળ રિસ્પોન્સ ટાઇમ ઘટાડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

આ નંબર પણ જાણ કર્યા બાદ શહેરી વિસ્તારમાં માત્ર 10 મિનિટમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જશે. શોધ યોજના હેઠળ તમામ પોલીસ સબઇન્સ્પેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ફેરવાશે તથા ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ અથવા એએસઆઇ કક્ષાથી પોલીસ સબઇન્સ્પેકટર કક્ષામાં અપગ્રેડ કરી ત્યાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાઈકલની ફાળવણી કરવામાં આવશે.

સાઇબર ક્રાઇમની ફરિયાદો સાંભળવા કૉલ સેન્ટર બનશે

ગૃહમંત્રીએ કહ્યું કે ત્રિશુલ પ્રોજેક્ટ હેઠળ એક નવા કોલ સેન્ટરની સ્થાપના કરાશે અને ઓપરેટર્સની નિમણૂક થશે જેથી કરીને સાઈબર ક્રાઈમથી પીડિતોના કોલ અનુત્તર ન રહે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને અન્ય રાજ્યોમાંથી ચાલતા કૌભાંડીઓને ટ્રેક કરવા માટે ગૃહવિભાગ દ્વારા નવું સોફ્ટવેર ખરીદવામાં આવશે. હાલમાં, શહેરી વિસ્તારોમાં સાઈબર પોલીસ સ્ટેશનો છે અને CID ક્રાઇમ બ્રાન્ચ પણ આવા કેસો પર કામ કરે છે. પણ આ આખીય વ્યવસ્થાને અમે એકરૂપ બનાવીને ઉપરથી નીચે સુધી નવી જગ્યાઓ ઊભી કરાશે.

તોફાનો રોકવા સ્પેશિયલ એક્શન ફોર્સ રચાશે

કોમી હુલ્લડો કે અન્ય સામૂહિક ગુન્હાઓ રોકવા સરકાર કેન્દ્રની રેપિડ એક્શન ફોર્સની પેઠે સ્પેશિયલ એક્શન ફોર્સની રચના કરશે. અમદાવાદ એસઆરપીએફ-2ને આ જવાબદારી સોંપાશે. તેમને વિશેષ તાલીમ અને શસ્ત્રો તેમજ સાધનો પણ ઉપલબ્ધ કરાવાશે. કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે 1100 નવા વાહનો ખરીદાશે.

Leave a comment

Trending