પશ્ચિમી વિક્ષોભની અસર તળે રાજ્યના કેટલાક ભાગોની સાથે કચ્છમાં પણ શુક્ર અને શનિવારે માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. કમોસમી વરસાદની વકીના પગલે કિસાન આલમમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. દરમિયાન જિલ્લામાં રાત્રિનું તાપમાન યથાવત્ રહ્યું હતું જ્યારે દિવસે ઉષ્ણતામાન વધવાની સાથે ગરમી અનુભવાઇ હતી. રવિવારથી મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડવાની શક્યતા પણ દર્શાવાઇ છે.
છેલ્લા કેટલાક દિવસથી મોડી રાત્રે ઠંડક અનુભવાઇ રહી છે તેની વચ્ચે તા. 1 અને 2 માર્ચના કચ્છમાં છૂટા છવાયા સ્થળે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માવઠા બાદ દિવસનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ગરમીમાં વધારો થશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે ત્યારે જો કમોસમી વરસાદ થશે તો જીરૂ સહિતના પાકને નુક્સાની જવાની ભીતિ કિસાન આલમને સતાવી રહી છે.
જિલ્લામાં લઘુતમ તાપમાન મોટા ભાગે યથાવત્ રહેતાં નલિયામાં 17, ભુજ ખાતે 16.9, કંડલા બંદરે 18.5 તો કંડલા એરપોર્ટ મથકે 17.1 ડિગ્રી નોંધાયું હતું જેના પગલે હળવી ઠંડીની હાજરી રહી હતી. મહત્તમ ઉષ્ણતામાન બે ડિગ્રી જેટલું ઉંચકાઇને 33.2થી 33.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું






Leave a comment