ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં 7 માર્ચે પ્રવેશશે

રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા”માં લોકોની સમસ્યાઓને ઉજાગર કરી તેના માટે અવાજ ઉઠાવવામાં આવશે. રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા” 7 માર્ચ અને ગુરુવારના રોજ બપોરે 3 કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે.

4 દિવસ સુધી ગુજરાતમાં રહેશે રાહુલ ગાંધી

ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાયયાત્રા” રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાયયાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.

લોકોની સમસ્યાઓને વાચા અપાશે

ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફિક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સિંગ દ્વારા થતાં શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને “ભારત જોડો ન્યાયયાત્રા” દરમિયાન વાચા આપવામાં આવશે.

સમસ્યાઓ સામે અવાજ ઉઠાવાશે

ભયમુક્ત થઈ રહેલા ભાજપના ભ્રષ્ટાચારને કારણે નવા જ બનેલા બ્રીજ તૂટે છે, નકલી સરકારી કચેરીઓ દ્વારા લોકહિતના કરોડો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ તૂટી પડી છે, સરકારી નોકરીઓનાં પેપરો સતત ફૂટે છે અને તેનાં મૂળ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓમાં નીકળતા દેખાઈ રહ્યા છે. આ બધી જ સમસ્યાઓને રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા”માં ઉજાગર કરીને લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે.

રાજ્યના 7 જિલ્લામાં રાહુલ ફરશે

રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાયયાત્રા રહેશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ ગાંધી દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં 100 લોકસભા બેઠકો આવરી લેવાશે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાયયાત્રા ફરશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેનું મુખ્ય ટાર્ગેટ હશે.

20 માર્ચે મુંબઈમાં યાત્રા પૂરી થશે

રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. હવે રાહુલ ગાંધી દ્વારા વધુ એક ચળવળ ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરાઈ છે. આ ભારત જોડો ન્યાયયાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા દેશનાં વિવિધ રાજ્યોમાં ફરીને 20 માર્ચ 2024ના રોજ મુંબઈમાં પૂરી થશે.

દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા દાહોદ પહોંચે એ પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. દાહોદ શહેરના પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ફરી તૂટી રહી છે. પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું.

Leave a comment

Trending