ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે

દિલ્હી પૂર્વના BJP સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીમાંથી મુક્ત થવા માગે છે. ગંભીરે શનિવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેણે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા છે. તેમ જેપી નડ્ડાને રાજકીય જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી.

ગંભીરે રાજકીય જવાબદારીઓ છોડવાનું કારણ પણ જણાવ્યું. લખ્યું- હવે તે પોતાની ક્રિકેટ સંબંધિત કમિટમેંટ્સને પૂર્ણ કરવા માગે છે. તેણે દેશની સેવા કરવાની તક આપવા બદલ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગંભીર માર્ચ 2019માં ભાજપમાં જોડાયો હતો

ગૌતમ ગંભીર 22 માર્ચ 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. માત્ર બે મહિના પછી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો હતો. ગંભીરે 6 લાખ 95 હજાર 109 મતોથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને હરાવ્યા હતા. મહેશ ગિરિની જગ્યાએ ગંભીરને ટિકિટ આપવામાં આવી હતી.

વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં સામેલ હતો

ગંભીરે 2003થી 2016 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. 2007ના T-20 વર્લ્ડકપ અને 2011ના વન-ડે વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતો. તેણે 2019માં પૂર્વ દિલ્હીથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી હતી. 2019માં ગંભીરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો.

ક્રિકેટના મેદાન પર આક્રમક વલણ માટે ફેમસ આ ખેલાડીએ રાજકારણમાં પણ જોરદાર શરૂઆત કરી હતી. ધમાકેદાર રોડ શો કર્યો હતો. મોટી-મોટી રેલીઓ કરી હતી. અચાનક ગંભીરના આ નિર્ણયથી રાજકીય એક્સપર્ટ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

દિલ્હીના 4 સાંસદની ટિકિટ કપાવાની અટકળો

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવાર-શુક્રવારે મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે આ વખતે નોન-પર્ફોર્મર અને સક્રિય નહીં રહેનારા સાંસદોને ટિકિટ આપવામાં આવશે નહીં. વડાપ્રધાન મોદી તેમના 400 પ્લસના લક્ષ્યને લઈને કોઈ જોખમ લેવા માગતા નથી.

દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો પર ભાજપના સાંસદો છે. ચર્ચા છે કે આ વખતે ચાંદનીચોકથી ડૉ.હર્ષવર્ધન, પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર, નવી દિલ્હી બેઠક પરથી મીનાક્ષી લેખી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી હંસરાજ હંસની ટિકિટ કપાઈ શકે છે. જ્યારે મનોજ તિવારી, રમેશ બિધુરી અને પરવેશ વર્માની ટિકિટ ફિક્સ માનવામાં આવે છે.

Leave a comment

Trending