સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી

ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર 8.4%ના જીડીપી ગ્રોથ સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે. ત્યારે અર્થતંત્રની તેજ રફ્તારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી સાથે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા સપ્તાહના અંતે બીએસઈ સેન્સેક્સે 73819.21 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે 22453.44 પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

ફંડોએ બેન્કિંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેન્ક, કોટક બેન્ક તેમજ ફ્રન્ટલાઈન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સેન લિ., ટાટા સ્ટીલ સાથે ઓટો શેરોમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી તેમજ ટાઈટનની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક ઘટાડો પચાવી પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મેટલ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને કોમોડિટીઝ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ 1245 પોઈન્ટના ઉછાળા સાથે 73745 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, તેમજ નિફ્ટી ફ્યુચર 290 પોઈન્ટના ઉછાળા સાથે 22451 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી અને બેન્ક નિફ્ટી ફ્યુચર 1052 પોઈન્ટના ઉછાળા સાથે 47598 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.89% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.68% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3947 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1451 અને વધનારની સંખ્યા 2388 રહી હતી, 108 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ 6.46%, જેએસડબલ્યૂ સ્ટીલ 4.46%, લાર્સન એન્ડ ટુબ્રો 4.39%, ટાઈટન કંપની 3.73% અને ઈન્ડસઈન્ડ બેન્ક 3.44% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક્નોલોજી 1.36%, ઈન્ફોસિસ 1.19%, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ 1.11% અને ટેક મહિન્દ્રા 0.36% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.24 લાખ કરોડ વધીને 392.22 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 25 કંપનીઓ વધી, 4 કંપનીઓ ઘટી અને 1 કંપની સ્થિર રહી હતી.

નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…

નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22451 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22606 પોઇન્ટના પ્રથમ અને 22676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22373 પોઇન્ટથી 22303 પોઇન્ટ, 22270 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ.

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47598 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48008 પોઇન્ટના પ્રથમ અને 48202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47474 પોઇન્ટથી 47170 પોઇન્ટ, 47007 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ

એચડીએફસી બેન્ક ( 1437 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1404 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1390 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1454 થી રૂ.1460 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1474 ઉપર તેજી તરફી ધ્યાન…!!

ટાટા કન્ઝ્યુમર ( 1208 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1180 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1165 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1233 થી રૂ.1240 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

ઈપ્કા લેબોરેટરીઝ ( 1297 ) :- રૂ.1334 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1347ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1280 થી રૂ.1273નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1360 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!

પિરામલ એન્ટરપ્રાઈઝ ( 941 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.964 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.924 થી રૂ.909 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.970 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

બજારની ભાવિ દિશા

મિત્રો, આગામી નાણાં વર્ષ માટે રિઝર્વ બેન્કે ફુગાવાનો 4.50%નો અંદાજ મૂકયો છે જે વ્યાજ દરમાં કપાત માટે અવકાશ પૂરો પાડે છે. જુલાઈ – સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રિટેલ ફુગાવો ઘટી 4% પર આવવા અને ત્યારબાદના ત્રિમાસિકમાં તે ફરી વધી 4.60% રહેવા રિઝર્વ બેન્કે ધારણાં મૂકી છે. જાન્યુઆરીમાં ફુગાવો ઘટી 5.10% સાથે ત્રણ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. દેશમાં આર્થિક વિકાસ મજબૂત જોવાઈ રહ્યો છે ત્યારે હાલનો 6.50% રેપો રેટ યોગ્ય છે. પરંતુ ફુગાવો સૌથી મહત્વનું પરિબળ છે. ફુગાવો નોંધપાત્ર નીચો રહે તો 2%થી વધુનો રેપો રેટ પણ ઘણો ઊંચો ગણાશે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતે 7%થી વધુનો આર્થિક વિકાસ દર હાંસલ કર્યો છે. આગામી નાણાં વર્ષમાં પણ વિકાસ દર 7% રહેવા ધારણાં મૂકવામાં આવી છે. આની સાથોસાથ છેલ્લા બાવન મહિનાથી ફુગાવો 4%ના ટાર્ગેટથી ઉપર રહ્યા કરે છે. ફુગાવામાં ઘટાડો જળવાઈ રહેશે તો વ્યાજ દરમાં કપાત માટે સ્થિતિ સાનુકૂળ બનતી જવાની અપેક્ષા છે. જો કે મોટાભાગના અંદાજો ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં તેમાં ફરી વધારો થવાના સંકેત આપે છે.

Leave a comment

Trending