એપેન્ડિક્સનું ઓપરેશન આમ તો સરળ છે, પરંતુ એપેન્ડિક્સમાં દુખાવો થતો હોય તે ભાગને આંશિક રીતે દૂર કર્યા પછી પણ જો તેમાં જટિલતા ઉભી થાય તો જોખમ સર્જાઈ શકે છે. આવા જ એક અટપટા કેસનું જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોએ ઓપરેશન કરી દર્દીને સંભવિત આફતમાંથી ઉગારી લીધો હતો.
તબીબોના જણાવ્યા મુજબ દર એક લાખ ઓપરેશનમાં આવી જટિલતા જોવા મળે છે.
ભુજના ૩૫ વર્ષીય ઈકબાલ ત્રાયાએ પાંચ વર્ષ પહેલાં અન્યત્ર હોસ્પિટલમાં દૂરબીનથી એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું હતું. આ યુવાન ગત અઠવાડિયે પેટમાં દુખાવો, ઉલ્ટી અને સખત તાવની ફરિયાદ સાથે જી.કે. માં સારવાર માટે આવ્યો ત્યારે તેનું સીટી સ્કેન કરાવતા એપીનસનો રહી ગયેલો ટુકડો ફાટી ગયો હતો અને રસી નીકળતી હતી, જે સમગ્ર આંતરડાંમાં પ્રસરી ગઈ હોવાથી તાવ સહિત પેટની વિષમ તકલીફ ઊભી થઈ હતી, એમ સર્જરી વિભાગના તબીબ ડો.આદિત્ય ડી. પટેલે જણાવ્યું હતું.
ડો.પટેલે કહ્યું કે, જો ફાટી ગયેલા ટુકડાનું તાબડતોબ ઓપરેશન ના કરાય તો દર્દીને જીવ ગુમાવવાની નોબત આવી શકે એવી હાલતમાં યુવાનને હોસ્પિટલમાં દાખલ કરી માત્ર પાંચ જ કલાકમાં શસ્ત્રક્રિયાનો નિર્ણય લઈ ઓપરેશન કર્યું અને તેને બચાવી લીધો. આ શસ્ત્રક્રિયામાં ડો.નરેન્દ્ર ચૌધરી, ડો.યસ આર.પટેલ, ડો.ક્રિષ્ના મીરાણી, ડો.દેવાંશી દાધણીયા, ડો.પ્રજ્ઞેશ ભોલે, અને ડો.નિલેશ બદાણી જોડાયા હતા.






Leave a comment