– માધાપરની વીરાંગનાઓએ દેશ કાજે બેમિસાલ કામ કરી, ભારતમાં ઇતિહાસ રચ્યો: બાલાજી પિલ્લાઈ.મેડિ.ડાયરેક્ટર
– દેશ બચાવવાના ઝનૂન સાથે નાપાક હરકતો નિષ્ફળ બનાવી: કાનબાઈ હિરાણી, વીરાંગના માધાપર
ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ગેઈમ્સ દ્વારા મહિલા દિન નિમિત્તે ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન જીવના જોખમે રાતોરાત હવાઈ પટીનું નિર્માણ કરી, દેશદાઝની જીવંત દંતકથા બની જનાર માધાપરની વિરાંગનાઓનું શાનદાર સન્માન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઓડિટોરિયમમાં શ્રોતાઓએ ઊભા થઈને અભિવાદન કર્યું હતું. સાથે સાથે ગેઇમ્સમાં ૧૦ વર્ષથી સેવારત મહિલા અધિકારી કર્મચારીઓનું સન્માન તેમજ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ બહેનોની પેનલ ચર્ચા પણ યોજાઈ હતી.
દેશપ્રેમ માટે પ્રતીક સમાન મહિલાઓ વતી સન્માનનો પ્રત્યુતર આપતા કાનબાઈ શિવજી હિરાણીએ ભાવવિભોર બની જતાં કહ્યું કે, તેમના પરિવારજનોની બોમ્બાર્ડિંગ વચ્ચે જવાની નારાજગી છતાં કોઈપણ સંજોગોમાં દેશ બચાવવાની ભાવના સાથે લાગલગાટ ૭૨ કલાક કામ કરી પાડોશી દેશની તમામ નાપાક હરકતોના ઇરાદા ચૂર ચૂર કરી દીધા હતા.
પ્રારંભમાં ગેઈમ્સના ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, વર્ષમાં માત્ર એક દિવસ નહિ ૩૬૫ દિન મહિલા દિવસ છે. મહિલાઓ શક્તિ સ્વરૂપા છે. તેમણે શિવ શક્તિનો મહિમા સમજાવી દેશ માટે જીવને જોખમમાં મૂકીને પણ દેશ કાજે બેમિસાલ કામ કરી વીરાંગનાઓએ ભારતમાં ઇતિહાસ રચી દીધો છે. આ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હિરાણી તેમજ અદાણી મેડિકલ કોલેજના ડો. એ.એન.ઘોષ ઉપસ્થિત રહ્યા હતા.
ગેઈમ્સમાં જુદા જુદા ક્ષેત્રના દસ વર્ષ પૂર્ણ કરનાર ૧૫ મહિલા અધિકારી કર્મચારીના સન્માન બાદ આંખ વિભાગના હેડ અને પ્રોફે. ડો.કવિતા શાહે પ્રતિભાવ આપી સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સમાજમાં મહિલાઓના યોગદાન વિશે આયોજિત એક પેનલ ચર્ચામાં ઇન્ડિયન નેવીના લેફ્.કર્નલ મોનાલી ક્રિષ્નન, યોગા એક્સપર્ટ ભાવના શાહ, કોલમિસ્ટ પૂજાબેન કશ્યપ, શુફ ભરતકામના નિષ્ણાત દીપ્તિબેન રાઠોડ અને બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાનીએ રૂઢિવાદી પરંપરા, મહિલા પ્રત્યે વિચારસરણી, કામનું મહત્વ, યોગા તેમજ પુરુષ અને નારી સમાનતાના વિષય ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન આસિ.મેનેજર મેનેજમેન્ટ ઓફિસ, મોનાલી જાનીએ કર્યું હતું. આ પ્રસંગે વીરાંગનાઓ સર્વશ્રી શામબાઈ ખોખાણી, વાલબઈ મૂળજી, રતનબાઈ હિરાણી, વીરબાઈ અને કુંવરબાઇ ગોરસિયા ઉપરાંત દરેક ડિપાર્ટમેન્ટસના હેડ, ફેકલ્ટીસ અને મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પૂર્વે જી. કે. જનરલ અદાણિ હોસ્પિટલના પરિસરમાં મહિલા કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.






Leave a comment