દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારના દિવસે ધૂમ્રપાન નિષેધ દિન મનાવવામાં આવે છે.આ વર્ષે બીજો બુધવાર ૧૩મી માર્ચના રોજ આવે છે.લોકોને ધુમ્રપાન છોડવા પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે.ડબલ્યુ.એચ.ઓ.એ આ વર્ષે બાળકોને ધૂમ્રપાનથી દૂર રહેવા – રાખવા વિશ્વને સંદેશ આપ્યો છે.
ધૂમ્રપાન કરવું એ જાતની હત્યા કરવા બરાબર છે.આ વ્યસનથી અનેક સમસ્યા ઉભી થાય છે. કેન્સર અને ખાસ કરીને ફેફસાના કેન્સરની શક્યતા વધી જાય છે. દમ, ઉધરસ, ન્યૂમોનિયા થઈ શકે છે. આ ઉપરાંત હૃદયને ગંભીર નુકસાન થાય છે. કાર્ડીઓવસ્ક્યુલર, બી.પી., શ્વાસની બીમારી, ડાયાબિટીસની સંભાવના સાથે હાડકાં નબળાં પડે છે. ખાસ તો ફેફસાને જ વધુ નુકસાન થાય છે.
ડો.કલ્પેશ પટેલે કહ્યું કે,જી.કે.માં ફેફસાની કાર્યક્ષમતાની ચકાસણી માટે ડી.એલ.સી.ઓ.(લંગ્સ ડિફ્યુસિંગ) ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે.આ ટેસ્ટ દ્વારા ફેફસા મારફતે કેટલું ઓક્સિજન લોહીમાં પહોંચે છે તેના પરથી પણ ફેફસાની ક્ષમતા નક્કી થાય છે.જેટલું ધૂમ્રપાન વધુ એટલા ફેફસા નબળા પડે છે.
આ પ્રકારે ધૂમ્રપાન અને તમાકુનું સેવન વિનાશકારી છે.એકવાર ધુમ્રપાન શરૂ થઈ જાય અને છોડાય નહીં તો ધીમે ધીમે લત બની જાય છે.છતાં દ્રઢ નિર્ધાર અને જાતનો જ અભિપ્રાય લઈ,ચિંતન-મંથન દ્વારા છોડી શકાય છે.એમ જી.કે.ના મનોચિકિત્સક પ્રો.ડો.મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું.
ધૂમ્રપાનથી છૂટવાના ઉપાયો સૂચવતા તેમણે ઉમેર્યું કે, હાર્ડ સ્મોકરને પ્રોફેશનલ સલાહની જરૂર છે. રીઢા વ્યસનીઓ જાતે જ ધૂમ્રપાનની ખરાબ અસર સમજે એ જરૂરી છે અને સમજતા પણ હોય છે.છતાં તમાકુની તલબ એમને મજબૂર બનાવે છ. મેડિકલ વિજ્ઞાન પાસે ધૂમ્રપાન છોડાવવાના ઉપાયો છે.દવાથી આ વ્યસન છોડાવી શકાય છે.જી.કે.માં મનોચિકિત્સા વિભાગ દ્વારા આવા પ્રયોગો સફળ પણ થાય છે.જી.કેમાં ધૂમ્રપાન છોડાવવા સુવિધા રૂપે વિશેષ સલાહ સૂચન આપવામાં આવે છે. વ્યક્તિ જે ઇષ્ટદેવને માને તેમની પાસે આ વ્યસન છોડવાની શક્તિ પણ માંગવી જોઈએ,એમ તેમણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો ધૂમ્રપાનથી જીવ ગુમાવે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે કે, ભારતમાં ૭૦ ટકા પુરુષો ધૂમ્રપાન કરે છે.મહિલાઓનું પ્રમાણ આ ક્ષેત્રે ઓછું છે.






Leave a comment