અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સહિત નવીનત્તમ સુવિધાઓ ઉભી કરાઈ

અબડાસા અને લખપતની શાળાઓમાં હવે બાળકોને નિયમિત હાજરી આપી ભણવુ ગમશે! અદાણી ફાઉન્ડેશન દ્વારા લખપત અને અબડાસાની આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ ક્લાસની સાથોસાથ બાળકોને રસપ્રદ પ્રવૃત્તિઓ માટેની કીટ પ્રદાન કરવામાં આવી છે. શાળાઓ નવીનત્તમ સુવિધાઓથી સુસજ્જ થવાના કારણે બાળકો અને શિક્ષકગણ ભણવા અને ભણાવવા ખૂબ જ ઉત્સાહિત છે.

અબડાસામાં અદાણી સિમેન્ટની આસપાસ આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત 15 શાળાઓ પૈકી 1૦માં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉભી કરવામાં આવી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સહિત વિદ્યાર્થીઓ ઈતર કૌશલ્યોમાં પણ નિપૂણ બને તે હેતુસર 1150 બાળકોને શૈક્ષણિક કીટ પ્રદાન કરવામાં આવી છે. આ પ્રસંગે તમામ ગામોના અગ્રણીઓ, શિક્ષકગણ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સુવિધાઓ પ્રાપ્ત કરનારી શાળાઓમાં મોટી બેર, નાની બેર, પખો, જાડવા, બરંદા, અકરી, થુમડી, નવાવાસ, વાલાવારી વાંઢ, ગુનાઉ, પીપર, ખીરસરા, ગોલાઇ, રોહારો તથા હોથીયાય ગામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત અબડાસાના મામલતદાર એમ.પી. કતિરાએ જણાવ્યું હતું કે “આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વંચિત વિસ્તારમાં અદાણી ફાઉન્ડેશનની આ કામગીરી ખૂબ સરાહનીય છે. સમાજ પ્રત્યેની ઉમદા ભાવનાને કારણે જ આવા કામો થઇ રહ્યા છે“.

અદાણી સિમેન્ટના પ્લાન્ટ હેડ વિવેક મિશ્રાએ ભવિષ્યમાં અહીંના લોકો માટે અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવાની ખાતરી આપી હતી. તેમણે શાળાઓમાં વધારવામાં આવેલી શૈક્ષણિક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં ઘડતરમાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ પરીક્ષામાં સ્કોલરશિપ માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર અકરી પ્રાથમિક શાળાના સ્નેહાબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું.

તાલુકા પ્રાથમિક શિક્ષણ ઓફિસર હુસેનભાઈ હિંગોરજાએ શિક્ષણ વિભાગ તરફથી અદાણી ફાઉન્ડેશનને અભિનંદન પાઠવતા શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. જયારે જાડવા શાળાના હેમીબેને જણાવ્યું હતું કે “અમારી શાળાની વર્ષોથી જે માંગણી હતી તે હવે પૂરી થઈ છે. તેનાથી શિક્ષણની ગુણવત્તામાં જરૂર સુધારો થશે અને શિક્ષકો બેવડા ઉત્સાહથી કામ કરશે“.

સ્માર્ટ કલાસમાં ભણતા વિદ્યાર્થીઓ ઓડીયો અને વિડીયોની સામે હોય છે. તેઓ જે સાંભળે અને નિહાળે છે તે યાદ રહી જાય છે.

Leave a comment

Trending