ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રિકલચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં રાજકોટ જિલ્લાના 49 કેન્દ્રો પરથી 9,826 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનુ 120 માર્કસનુ પેપર લેવાશે. જેમાં પરીક્ષાનો સમય સવારે 10થી 4 દરમિયાનનો રહેશે. જોકે, તેમાં વચ્ચે એક કલાકનો બ્રેક મળશે. રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે હવે 10 દિવસ બાદ ગુજકેટની પરીક્ષા લેવામાં આવતા વિદ્યાર્થીઓ ફરી તૈયારી કરવા લાગ્યા છે.
પરીક્ષાનો સમય સવારે 10થી 4નો રહેશે
રાજકોટ જિલ્લામાં 31મી માર્ચે 49 કેન્દ્રોના 493 બ્લોક પરથી 9,826 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં 5,857 વિદ્યાર્થીઓ અને 3,969 વિદ્યાર્થિનીઓ છે. ગૃપ વાઈઝ નજર કરીએ તો આ A ગૃપમાં 4,174, B ગૃપમાં 5,645 વિદ્યાર્થીઓ, AB ગૃપના 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં તા. 31મી માર્ચે સવારે 10:00થી 12:00 ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1:00થી 2:00 જીવવિજ્ઞાન તો બપોરે 3:00થી 4:00 વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. બોર્ડની પૂર્ણ થતાની સાથે જ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી પડશે. કારણ કે, 12 સાયન્સ બાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટના માર્કસ ગણતરીમાં લેવામાં આવે છે.
કેન્દ્રના 49 સ્થળ સંચાલક મૂકવામાં આવશે
રાજકોટમાં ધો. 12 સાયન્સના એક્સપર્ટ અંશુમન ત્રિવેદીનું કહેવું છે કે, ધો. 12 સાયન્સના છાત્રો માટે ગુજકેટ મહત્વપૂર્ણ છે. જેમાં વેટરનરીમાં 100% ગુજકેટના માર્કસ છે. ફાર્મસી અને એગ્રિકલચરમાં 60% બોર્ડ અને 40% ગુજકેટ, એન્જિનિયરિંગમાં 50% ગુજકેટ અને 50% બોર્ડના માર્ક હોય છે. ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને તનતોડ મહેનત કરી રહ્યા છે અને હવે 22મી માર્ચે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જશે. જે બાદ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે તે કેન્દ્રના 49 સ્થળ સંચાલક મૂકવામાં આવશે. આ ઉપરાંત આ 49 કેન્દ્રો પર સરકારી શિક્ષકો અથવા આચાર્યોને મદદનીશ સ્થળ સંચાલક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રૂટ પ્રતિનિધિ તરીકે 49 સરકારી શિક્ષકોને કામગીરી આપવામાં આવી છે.






Leave a comment