મોરબીમાં કેનાલ રોડ પર ગંગા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિકમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં ભરતભાઇ ભીખાભાઇ કારોલીયા (ઉ.વ.50)ને હનીટ્રેપમાં ફસાવી રૂા. 23.50 લાખ પડાવી લેનાર ટોળકીને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લીધી છે. એવો ખુલાસો થયો છે કે આ ટોળકીના ટાર્ગેટ ઉપર મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ભરતભાઈને પોતાની ઓળખ ક્રિષ્ના પટેલ તરીકે આપનાર મહિલાએ અવારનવાર કોલ કરી પરિચય કેળવ્યા બાદ મીઠી-મીઠી વાતો કરી ફસાવ્યા હતા. ત્યારબાદ ભરતભાઈને મળવા માટે બોલાવતા તે કાગવડ પહોંચ્યા હતાં. જ્યાં ક્રિષ્ના પણ પહોંચી હતી અને તેની કારમાં બેસી ગયા બાદ બંને નજીકના અવાવરૂ સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં ક્રિષ્નાએ કારમાં જ પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેના ચાર સાગરિતો ધસી આવ્યા હતા. જેમણે ભરતભાઈને કેસમાં ફીટ કરવાની ધાકધમકી આપી, ડરાવી રૂા. ૨૩.૫૦ લાખ પડાવ્યા હતા. જે અંગે સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
તપાસમાં એલસીબીએ પણ ઝૂકાવ્યું હતું. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી એલસીબીએ ટોળકીના પાંચેય સભ્યોને ઝડપી લીધા હતા. જેમાંથી ત્રણ રાજકોટના અને બે જૂનાગઢના છે.
આરોપીઓમાં હરેશ નાનજી વાળા (ઉ.વ. 49, રહે. ગિરનાર દરવાજા, ગણેશનગર શેરી નં. 3, જૂનાગઢ), શૈલેષગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ (ઉ.વ. 36, રહે. ચામુંડા સોસાયટી શેરી નં. 2, પુનિતનગર જીઇબી પાવર હાઉસ પાસે, રાજકોટ), અતિત રાજરતન વર્ધન (ઉ.વ. 31, રહે. નવાગામ, સોમનાથ સોસાયટી, રાજકોટ), વિક્રમ ઉર્ફે વીરાભાઈ લીંબાભાઈ કરગટા (ઉ.વ. 28, રહે. ખોડીયારનગર, ગોંડલ રોડ જકાતનાકા પાછળ, રાજકોટ) અને જૂનાગઢની મહિલાનો સમાવેશ થાય છે. જેનું એલસીબીએ નામ જાહેર કર્યું નથી.
એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે આરોપી મહિલાનું સાચુ નામ બીજું જ છે. તેણે ક્રિષ્ના નામ ધારણ કરી ભરતભાઈને ફસાવ્યા હતાં. ઝડપાયેલી ટોળકીએ મોરબીના એક બૂક સ્ટોલમાંથી મોરબી પંથકના સિરામિક સહિતના ઉદ્યોગકારોના નામ અને ટેલિફોન નંબર સહિતની ડીરેક્ટરી મેળવી લીધા બાદ તેમાંથી ઉદ્યોગકારોને કોલ કરવાનું શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન ભરતભાઈ ટોળકીની જાળમાં ફસાઇ ગયા હતાં.
ટોળકીના સભ્યો ગુનો કરવા માટે જુદા-જુદા સાત મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. બીજા કોઇ ઉદ્યોગકારો આ ટોળકીની જાળમાં ફસાયા છે કે કેમ તે અંગે એલસીબીએ તપાસ આગળ ધપાવી છે. એટલું જ નહીં ભોગ બનનારાઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
ઝડપાયેલી ટોળકી પાસેથી એલસીબીએ રોકડા રૂા. 18.46 લાખ, છ મોબાઈલ ફોન અને સ્વીફટ કાર મળી કુલ રૂા. 21.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ટોળકીને સુલતાનપુર પોલીસના હવાલે કરાયા છે. જે હવે રિમાન્ડ લેવાની અને ઓળખ પરેડ કરાવવા સહિતની કાર્યવાહી કરશે.






Leave a comment