રોકાણ આકર્ષવા માટેની PLI સ્કીમને મોળો પ્રતિસાદ

-૧૪માંથી મોટાભાગના ક્ષેત્રોમાં રોકાણની માત્રા ટાર્ગેટથી ઘણી ઓછી

– સ્કીમ હેઠળ ૧૧.૫૦ લાખ રોજગાર નિર્માણની અપેક્ષા સામે માત્ર ૪.૯૦ લાખ રોજગાર ઊભા થઈ શકયા

દેશમાં ઈન્વેસ્ટમેન્ટસને પ્રોત્સાહન આપી રોજગાર ઊભા કરવાની સરકારની પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમનું અપેક્ષિત પરિણામ જોવા મળતું નહીં જણાય છે. પ્રાપ્ત આંકડા પર નજર નાખતા જણાય છે કે બે વર્ષમાં પીએલઆઈ હેઠળ અપેક્ષિત રોકાણ તથા રોજગાર પ્રાપ્ત થયા નથી.

ડિસેમ્બર, ૨૦૨૩ના સમાપ્ત થયેલા બે વર્ષમાં  ભારતની કંપનીઓએ  પીએલઆઈ હેઠળ રૂપિયા ૧.૦૭ ટ્રિલિયનનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ૧૪ ક્ષેત્રો માટેની પીએલઆઈ હેઠળ બે વર્ષમાં રૂપિયા ૩ ટ્રિલિયનના ઈન્વેસ્ટમેન્ટસની બાંયધરી મળી હતી. આમ અપેક્ષા કરતા ૩૫ ટકા જેટલું જ ઈન્વેસ્ટમેન્ટસ પ્રાપ્ત થયું છે.  સોલાર પીવી મોડયૂલ્સ, ટેકસટાઈલ્સ, ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં અપેક્ષા કરતા ઓછું ઈન્વેસ્ટમેન્ટસ પ્રાપ્ત થયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

માત્ર ઈન્વેસ્ટમેન્ટસ જ નહીં પરંતુ સ્કીમ હેઠળ જે રોજગાર ઊભા થવાના હતા તેનું ચિત્ર પણ ખાસ પ્રોત્સાહક જણાતું નથી. સ્કીમ હેઠળ ૧૧.૫૦ લાખ રોજગાર નિર્માણની અપેક્ષા સામે માત્ર ૪.૯૦ લાખ રોજગાર  ઊભા થઈ શકયા છે.

ઉત્પાદનમાં રૂપિયા ૪૦ ટ્રિલિયનનો વધારો થવાની ધારણાં સામે માત્ર ૧૭ ટકાનો જ વધારો જોવા મળ્યો છે. મહત્તમ લાભો મેળવવા પીએલઆઈ પાત્ર કંપનીઓ દ્વારા પ્રારંભિક ચાર મહિનામાં ઈન્વેસ્ટમેન્ટસ કરવાના રહે છે. ૧૪ ક્ષેત્રો માટેની મોટાભાગની સ્કીમ્સ ૨૦૨૧-૨૨માં જાહેર થઈ છે.

આત્મનિર્ભર ભારત બનાવવા અને ભારતની ઉત્પાદન ક્ષમતા તથા નિકાસ વધારવા નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં પીએલઆઈ સ્કીમ્સ માટે અંદાજે રૂપિયા બે ટ્રિલિયનની યોજના જાહેર કરવામાં આવી હતી.

મોટાભાગની સ્કીમ્સ ૨૦૨૧માં જાહેર થઈ હતી પરંતુ તેનો અમલ મોડો થયો હતો. ફાર્મા ક્ષેત્રમાં ટાર્ગેટ કરતા વધુ ઈન્વેસ્ટમેન્ટસ જોવા મળ્યું છે જ્યારે સોલાર પીવી મોડયૂલ્સ, ઓટોમોબાઈલ, ઈલેકટ્રોનિકસ, ટેકસટાઈલ્સ જેવા ક્ષેત્રોમાં ટાર્ગટ કરતા ઓછું રોકાણ જોવા મળી રહ્યું છે.

ફાર્માસ્યૂટિકલ દવાઓના ઉત્પાદન ક્ષેત્રમાં પંચાવન કંપનીઓ દ્વારા રૂપિયા ૧૭૨૭૫ કરોડના ટાર્ગેટ સામે ઈન્વેસ્ટમેન્ટસ રૂપિયા ૨૫૮૧૩ રહ્યું છે.  સોલાર મોડયૂલ ભારત માટે એક નવું ક્ષેત્ર હોવાથી અહીં મોડયૂલ્સનું ઉત્પાદન ખર્ચાળ બની રહ્યું છે જેને કારણે રોકાણકારો ખાસ આકર્ષાતા નથી, એમ સરકારી સુત્રોએ વધુમાં જણાવ્યું  હતું.

દરેક પીએલઆઈ સ્કીમ્સ હેઠળ ગયા નાણાં વર્ષમાં રૂપિયા ૨૯૦૦ કરોડના લાભ છૂટા કરાયા  હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્તમાન નાણાં વર્ષમાં પણ આટલી જ રકમ છૂટી થવાની અપેક્ષા છે.

વિવિધ શરતોને લઈને સ્કીમ્સ હેઠળ લાભો મેળવવા માટે કંપનીઓએ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a comment

Trending