હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે. જે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. એટલે કે 40 ડિગ્રીએ તાપમાન પહોંચશે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગરમીનો અનુભવ ઓછા પ્રમાણમાં થશે. જોકે, એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે. ઉલ્લેખનીય છે કે 7 મેના રોજ ગુજરાતમાં મતદાનના દિવસે તાપમાનનો પારો હાઈ જશે. તાપમાન 40 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલ તમામ જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી નીચે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન યથાવત્ રહેશે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની સંભાવના છે. ત્યારબાદ એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. હાલમાં અરબ સાગર તરફથી આવતા પવનોને કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે છે. તેને કારણે તાપમાનમાં વધારો થઈ શકતો નથી.
પાંચ દિવસ બાદ તાપમાન ફરી ઊંચકાશે
વધુમાં જણાવ્યું હતું કે, અરબ સાગર તરફથી આવતા પવનો અને વાતાવરણના મધ્યમ સ્તર પર વાદળું બંધાતા સૂર્યના સીધા કિરણો જમીન પર પહોંચતા નથી. આ કારણોસર જમીનનું તાપમાન ઝડપથી વધતું નથી. તેને કારણે છેલ્લા બે દિવસથી વહેલી સવારમાં ભર ઉનાળે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં ઉત્તર તરફ આવેલા કચ્છના અખાત પરથી પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણી વિસ્તારમાં એટલે કે ખંભાતના અખાત તરફથી આવતા પવનોની દિશા ઉત્તર પશ્ચિમ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પાંચ દિવસ બાદ તાપમાન ફરી એકવાર ઉંચકાઈ શકે છે.






Leave a comment