જી.કે. જન. અદાણી હોસ્પિ.ના આંખ વિભાગના તબીબોએ ચક્ષુના જતન માટે આપી ટિપ્સ

ભાગદોડ ભરી જિંદગીમાં માનવીની જીવન શૈલીમાં બદલાવ આવી ગયો છે. જેની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર પડી છે. અસ્પષ્ટ દિનચર્યા અને ખાણીપીણીની અસર હવે આંખ ઉપર પણ પડી રહી છે. આંખોમાં રોશનીની કમજોરી વર્તમાન સમયમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે, એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ ૧લી એપ્રિલ થી ૭મી એપ્રિલ સુધી ઉજવાતા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ સપ્તાહ નિમિત જણાવ્યું હતું.

જી.કે.ના આંખ વિભાગના હેડ ડો. કવિતાબેન શાહ અને ડો. અતુલ મોડેસરાએ કહ્યું કે, એક જમાનો હતો કે બુઝૂર્ગોને પણ ચશ્માની જરૂરિયાત નહોતી પરંતુ આજે બાળકોને પણ ચશ્મા આવી રહ્યા છે તેનું કારણ ખાન-પાન અને અનિયમિત જીવનશૈલી છે. તેમ છતાં આંખોની પૂર્તિ સંભાળ લેવામાં આવે અને નિયમિત પરીક્ષણ કરાવવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ ચક્ષુનું જતન થઈ શકે છે.

આંખોની દેખભાળ માટે નેત્ર નિષ્ણાત ડો.મોનિકા ઠક્કર અને ડો. નૌરીન મેમણે  વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, જો ખાવા પીવાની રીત ભાત વ્યવસ્થિત હશે તો ચોક્કસપણે ફાયદો થશે. આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન “સી”, વિટામિન “ઈ” અને “એ” તથા ઓમેગા 3, ફેટી એસિડની જરૂર પડે છે જેની પૂર્તિ માટે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, માછલા, ઈંડા, શુદ્ધ ઘી, દાળ,સંતરા,બીન્સ, ખાટા ફળો તથા સૂકોમેવો લઇ શકાય છે.

આંખોની સુરક્ષા માટે ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપતા તેમણે ઉમેર્યું કે,  ધૂમ્રપાન ફેફસા અને શરીર સાથે આંખોને પણ નુકસાન પહોંચાડે છે. એક સંશોધનમાં જણાવ્યા મુજબ ધૂમ્રપાનથી સુકી આંખ, મેકયુલર ડી જનરેશન, ડાયાબિટીક રેટિનોપથી અને ગ્લુકોમાં પણ થઈ શકે છે માટે  બીડી સિગારેટ થી બચવું જોઈએ.

અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ એટલા જ નુકશાન કારક છે. આવા કિરણોથી બચવા માટે ગરમીમાં ખાસ કરીને સખત તાપ હોય ત્યારે ગોગલ્સ પહેરવા જોઈએ, જેથી સૂર્યના સીધા કિરણો આંખ પર ના આવે એ જ પ્રકારે લેપટોપ અને મોબાઈલ ઉપર વધુ સમય વિતાવવાથી પણ આંખ નબળી પડી શકે છે.  સાથે માથું દુઃખવું અને ખભાનો પણ દુખાવો થાય છે. તેમ છતાં પણ જો કામ કરવું જ પડે તો નિયમિત સમયાંતરે આંખને વિરામ આપવો જોઈએ.

આમ આંખોની સુરક્ષા માટે નિયમિત ચેકઅપ કરાવાય તો ભવિષ્યમાં ઊભી થનારી સંભવિત સમસ્યાથી બચી શકાય છે. ભારતે વર્ષ 2024 માટે અંધત્વ  નિવારણ સપ્તાહ માટે “લાઇટિંગ ન્યુ વિઝન” થીમ આપી છે. આ થીમનો ઉદ્દેશ એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો છે. દ્રષ્ટિની ક્ષતિ  ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણ  અને પ્રોત્સાહન આપવાનો છે.

Leave a comment

Trending