દરેકની એક અભિલાષા હોય છે કે તેની ત્વચા ચમકતી દમક્તી હોય, પરંતુ સુંદરતા સાથે ત્વચા સ્વસ્થ પણ હોવી એટલી જ આવશ્યક છે એમ જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના સ્કિન વિભાગના તબીબોએ છઠ્ઠી એપ્રિલ વિશ્વ સ્કિન ડે નિમિત્તે જણાવ્યું હતું.
જી.કે.ના સ્કિન વિભાગના આસિ. પ્રોફે. ડો.જૂઈ શાહે “સ્વચ્છ ત્વચા સ્વસ્થ ત્વચા”મંત્રનો ઉલ્લેખ કરીને કહ્યુંકે,ત્વચાને ખૂબસૂરત રાખવા સાથે તંદુરસ્ત રાખવી એટલીજ જરૂરી છે.ત્વચા શરીરને બાહ્ય બેક્ટેરિયા અને દૂષિત પર્યાવરણથી શરીરનું રક્ષણ કરે છે જેથી તેની કાળજી રાખવી જરૂરી છે.દરેકને એવી ઈચ્છા હોય કે તેમની સ્કિન ગોરી હોય પણ એવું નથી કુદરતે બક્ષેલી કોઈપણ પ્રકારની અને કલરની ત્વચા સુંદર જ હોય છે હા, એ તંદુરસ્ત હોય એ જરૂરી છે.
ચામડીને તંદુરસ્ત અને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા અંગે ત્વચા નિષ્ણાત ડો.ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું કે, પ્રથમ તો ત્વચા માટે ખૂબ પાણી પીવું જરૂરી છે. તેના કુદરતી ગ્લો માટે રોજ છ થી સાત ગ્લાસ પાણી પીવું જેથી ચામડીની ચમક જળવાઈ રહેશે. ફળ અને લીલા શાકભાજીનો ભરપૂર ઉપયોગ કરવો એ પણ એટલું જ આવશ્યક છે.
આ ઉપરાંત સિનિ.રેસિ.ડો.દિપાલી વડુકુલેએ કહ્યું કે, ચહેરો સાફ કરતી વખતે કે ધોતી વખતે ઘસીને ધોવાને બદલે હળવા હાથે ધોવું જોઇએ. ઊંઘ પણ ચામડીને પરોક્ષ રક્ષણ આપે છે. છ થી સાત કલાક ઊંઘ તો અવશ્ય લેવી જોઈએ.
ત્વચા ને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા રોજ વર્કઆઉટ એટલે કે વોકિંગ કરવાથી પણ ત્વચા સ્વસ્થ રહે છે. બોડી ફિટ રહેશે તેમ ત્વચા પણ સુંદર અને સ્વસ્થ રહેશે. સૌથી મહત્વની બાબત કોઈ પણ ઋતુમાં સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચાને બચાવવા મોટા કદની ટોપી પહેરવી, સનગ્લાસ પહેરવા અને સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય.
ત્વચા માટે ઠંડુ પાણી ખૂબ જ જરૂરી હોય છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ત્વચાની વધતી ઉંમર ઘટાડી શકાય છે. વધુ ગરમ પાણીથી સ્નાન કરવાને કારણે પણ ચહેરાને નુકસાન થતું હોય છે. આમ ત્વચા શરીરને બાહ્ય બેક્ટેરિયા અને દૂષિત પર્યાવરણથી શરીરનું રક્ષણ કરે છે જેથી તેને સ્વસ્થ રાખવી જરૂરી છે.
તેમ છતાં ચામડીની કોઈપણ સમસ્યા હોય તો, ચર્મ નિષ્ણાત એમ.ડી.(સ્કિન) DNB/FCPC/DVD/DDVL/DVL ડિગ્રી હોય તેમનો સંપર્ક કરવા જણાવ્યુ હતું.






Leave a comment