વર્તમાન યુગમાં એલોપેથીથ પ્રચલિત છે. સાથે સાથે સારવારની અન્ય પદ્ધતિઓ જેમકે આયુર્વેદ, હોમિયોપેથી અને કુદરતી ઉપચાર દ્વારા પણ ઈલાજ થાય છે. ત્યારે ૧૦મી એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાતો હોવાથી જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત હોમીયોપેથી વિભાગના તબીબે આ ઉપચાર પદ્ધતિનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.
જી.કે.માં ઓપીડી વિભાગમાં નિયામકશ્રી આયુષ કચેરી અને આરોગ્ય પરિવર કલ્યાણ અંતર્ગત તેમજ જિલ્લા આયુર્વેદ શાખા સંચાલિત હોમિયોપેથી ડો.પ્રિયંકા ચૌધરીએ જણાવ્યું કે,અત્રે પ્રતિ માસે નવા અને જૂના એમ ૬૦૦ જેટલા દર્દીઓ સારવાર લે છે.
આ પદ્ધતિ બાબતે તેમણે જણાવ્યું કે, હોમીયોપેથીમાં દર્દીની બીમારી સાથે તેમની સમસ્યા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે,એકજ પ્રકારની બીમારીથી ૬ વ્યક્તિઓ સંક્રમિત હોય તો દરેકને એકજ પ્રકારની દવા આપવાના બદલે તેમની સમસ્યા અને તાસિરને જોઈ સારવાર અપાય છે.
હોમિયોપેથી એવી ચિકિત્સા પ્રણાલી છે જે માને છે કે શરીર રોગને જાતે જ ઠીક કરે છે. તેમ છતાં ઉપચાર પ્રક્રિયાને વધુ સક્રિય બનાવવા સારવાર આપવામાં આવે છે.આ દવાઓ છોડ અને ખનીજ સંપદા જેવી પ્રાકૃતિક પદાર્થોની બનેલી હોય છે. આ પદ્ધતિની આડ અસરની સંભાવના નહિવત અને ઠીક થવાની શક્યતા વધુ હોય છે,એમ તબીબે જણાવ્યું હતું.
આ દવા લેવાની પણ એક પદ્ધતિ છે. દવાઓ પ્રમાણમાં મીઠી હોય છે. ગોળી સ્વરૂપની દવા હાથમાં રાખીને ખાવાની ના હોય કેમકે હાથમાં બેક્ટેરિયા હોઈ શકે છે. શીશીના ઢાંકણમાં પણ લઈ શકાય છે. તબીબો દર્દીને પૂરેપૂરી જાણકારી જેમ કે આદત,જીવનશૈલી,સ્વભાવ સમજીને જ સારવાર આપવામાં આવે છે.
આ પદ્ધતિ દ્વારા પેટનાં, સાંધાના,ચામડીના, શ્વસનતંત્ર તેમજ નાના બાળકોના રોગો જેમકે પથારી ભીની કરવી, કૃમિ, દાંત આવતી વખતે ઝાડા થવા વગેરે તકલીફ ઉપરાંત બહેનોના રોગો, પથરી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને જીવનશૈલીને લગતા રોગોમાં આ સારવાર કારગર છે.






Leave a comment