એવું કહેવાય છે કે,જો માનવીનું મન અને મગજ સ્વસ્થ હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે.માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય એક બીજાના પૂરક છે.અસ્વસ્થ માનસિકતાથી જ શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે,પછી તે વૃદ્ધ હોય કે બાળક કે યુવાન દરેક માટે શારીરિક સ્વાસ્થ્યનો આધાર માનસિક સ્વાસ્થ્ય છે.
જી.કે.જન.અદાણી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના હેડ ડો. મહેશ ટીલવાણીએ વિશ્વ આરોગ્ય દિવસ ૭મી એપ્રિલ નિમિતે કહ્યું કે,જો માનવીનું મગજ સ્વસ્થ નહીં હોય તો તેનો પ્રભાવ શરીરના સ્વાસ્થ્ય પર પણ પડશે.ઉદાહરણ આપતા તેમણે ઉમેર્યું કે,આજે તણાવ,ચિંતા, ડિપ્રેસનમાં વધારો થયો છે. પરિણામે બી.પી. ડાયાબિટીસ જેવા બિન સંક્રમિત રોગ વધ્યા છે.ક્યારેકતો માનસિક અસ્વસ્થતા આત્મહત્યા કરવા પણ મજબૂર કરે છે.
જ્યારે જ્યારે મગજને અશાંતિ,દુઃખ,વિચારોમાં ખલેલ,અણગમો,વેરભાવ, વિષાદ, આઘાત લાગે ત્યારે શરીર ત્વરિત પ્રક્રિયા આપે છે. કારણકે શરીરનું દરેક વર્તન મગજના સંદેશા ઉપર નિર્ભર કરે છે. આ અસમતુલા હોય તો શરદી, ખાંસી, સંક્રમણ, રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવી, શરીરમાં દુખાવો, એસિડિટી, ગેસ જેવા અનેક રોગ થાય છે.
બીજી તરફ જો માનસિક રીતે માણસ સ્વસ્થ અને મજબૂત હોય તો ગમે તેવા રોગને હાથતાળી આપી દે છે. તો પછી મગજને કેમ સ્વસ્થ રાખવું એવા એક સવાલના જવાબમાં તબીબે જણાવ્યું કે, ખુદને સમય આપો,પોતાની શક્તિ પારખી સંઘર્ષ કરવો, એવું કામ કરો જેમાં આનંદ મળે. પરિવાર મિત્રો સાથે સમય વિતાવવો, નવા શોખ કેળવો, વાંચન, સકારાત્મક વિચારો દ્વારા મગજ સ્વસ્થ રહે છે.
જો શરીર સ્વસ્થ તો મગજ સ્વસ્થ અને મગજ સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર સ્વસ્થ રાખવા માટે તેમણે જણાવ્યું કે,એક તો સંતુલિત આહાર લેવો.જે ઉર્જા આપે છે અને ઊર્જા જ મગજને કાર્યરત રાખે છે. જંક ફુડ થી પેટ બગડે છે. પેટ અને મગજને સીધું જોડાણ હોવાથી સ્વસ્થ ખોરાક પ્રથમ શરત છે. મગજનું બીજું ચાલક બળ જરૂરી શારીરિક શ્રમ છે,જેમાં કસરત અને વોકિંગ તથા સાયકલિંગ તથા તરવા જવું વિગેરે છે.
મગજ અને શરીર માટે સૌથી વધુ જરૂરી હોય તો તે ઊંઘ છે. અપૂરતી ઊંઘથી જ મગજ અને શરીરને નુકસાન થાય છે. દિવસે માનવીને સ્ફૂર્તિમય રાખે એટલી ઊંઘ જરૂર લેવી. યોગને આજકાલ મોર્ડન મેડિસીન કહેવાય છે. તેનાથી મન,મસ્તિષ્ક અને શરીરને અગણિત ફાયદા થાય છે.જરુરી ઊંઘ પણ આવે છે. આમ સ્વસ્થ અને નિરોગી કાયાનો પાયો હવે યોગ છે.






Leave a comment