ભારતીય સમાજમાં માસિક ધર્મ હંમેશા ગંભીર અને ચર્ચાનો જ વિષય રહ્યો છે. તેમ છતાં એના ઉપર એટલું ધ્યાન નથી અપાતું જેટલું આપવું જોઈએ. આરોગ્ય અને સાફ-સફાઈની અધૂરી માહિતી અને કેટલીક ભ્રાંતિઓને કારણે મહિલાઓને તેમાંય ખાસ કરીને માસિક ધર્મની ઉંમરે પગ મુકતી બહેનોને ખાસ સહન કરવું પડે છે.
આ હેતુથી ભુજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સક્ષમની તાલીમાર્થી બહેનોને જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. યેશા ચૌહાણે માસિક દરમિયાન કેટલીક આરોગ્યલક્ષી સંભાળ અંગે સમજાવતા જણાવ્યું કે, હાથની સફાઈ, સેનેટરી પેડ અને તેનો સમયાંતરે બદલાવ અને આ દરમિયાન ચેપ ન લાગે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. આ સફાઈ જ નવી જન્મનારી પેઢીના આરોગ્યનો આધાર છે એટલે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જરૂરી છે.
સાફ-સફાઈ સાથે આરોગ્ય માટે હેલ્થી ખોરાક પણ જરૂરી છે. એમ જણાવી ડો. યેશાએ જણાવ્યું કે, શાકભાજી, ગ્રીન સલાડ, ફળો ખાવા પણ જંકફૂડથી દુર રહેવું. ખાસ કરીને ચા- કોફી અને સોફ્ટ – હાર્ડ ડ્રિન્કથી બચવું જોઈએ. તબીબોની સલાહ મુજબ કસરત, યોગ – પ્રાણાયામ કરવા જોઈએ અને આરામ પણ એટલું જ જરૂરી છે.
માસિક દરમિયાન શું કરવું અને શું ન કરવું એ અંગે તેમણે જણાવ્યું કે, શરીરને પૂરતું પાણી મળે એ માટે આઠથી દસ ગ્લાસ પાણી પીવું, થોડા વધુ પ્રમાણમા પ્રોટીનનું સેવન કરવાનું રાખવું. ખાસ કરીને આ સમય દરમિયાન સલામત જાતીય સંબંધ બાંધી શકાય અન્યથા ટાળવું નહીતર ચેપ લાગી શકે. આ સમયમાં માનસિક સ્થિતિને કારણે થાક, મૂડ સ્વિંગ, ચીડચીડીયાપણું થઈ શકે પણ એથી ગભરાવવું નહીં કારણકે આ બધુ હોર્મોનના ફેરફારોને લીધે થવું સામાન્ય છે અને માસિકસ્ત્રાવ એ પ્રજનન ચક્રનો કુદરતી ક્રમ છે એ હકીકત સમજવી. કાર્યક્રમ અંગેની સંપૂર્ણ વ્યવસ્થા સક્ષમ સ્ટાફે કરી આપી હતી.






Leave a comment