વૈશ્વિક પડકારો વચ્ચે ઘણી કંપનીઓ મંદીનો સામનો કરી રહી છે. ખર્ચમાં ઘટાડો કરવાના ભાગરૂપે આ કંપનીઓ મોટાપાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. હાલમાં જ ટેસ્લાએ કર્મચારીઓની સંખ્યા 10 ટકા ઘટાડવાની જાહેરાત કર્યા બાદ આજે ગુગલે પણ છટણી પ્રક્રિયા હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે.
આલ્ફાબેટની માલિકીની ગુગલે મોટાપાયે છટણી પ્રક્રિયા હાથ ધરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ખર્ચમાં ઘટાડો કરવા ગુગલે કર્મચારીઓની સંખ્યા ઘટાડવા નિર્ણય લીધો છે. જો કે, કંપની તમામ વિભાગોમાંથી છટણી કરી રહી નથી. તેથી તેણે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને અન્ય પદ માટે અરજી કરવા કહ્યું છે.
ગુગલે છટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓને ભારત, શિકાગો, એટલાન્ટા અને ડબલિન સહિતના સ્થળોએ બદલી કરવાનો વિકલ્પ આપ્યો છે. ઉલ્લેખનીય છે, આ વર્ષે ટેક અને મીડિયા જગતમાં મોટાપાયે છટણી હાથ ધરવામાં આવી હતી. જે કંપનીઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહી હોવાનો પુરાવો આપે છે.
આ વિભાગોના કર્મચારીઓને છૂટા કરાયા
ગુગલે રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની ટીમોમાંથી અમુક કર્મચારીઓની છટણી કરી છે. તેમજ ગુગલના ફાઈનાન્સ હેડ રૂથ પોરાટે પોતાના કર્મચારીઓને રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે બેંગ્લુરૂ, મેક્સિકો અને ડબલિન શહેરમાં વિસ્તરણ માટે બદલીનો વિકલ્પ અપનાવવા કહ્યું છે.
ગુગલ અગાઉ પણ ઘણી વખત પોતાના કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. ગુગલે આ વર્ષે જાન્યુઆરીમાં જ પોતાના એન્જિનિયરિંગ, હાર્ડવેર અને સપોર્ટીવ ટીમો સહિત વિવિધ ટીમોના સેકડોં કર્મચારીઓને છૂટા કર્યા હતા. જેની પાછળનું કારણ કંપનીમાં રોકાણ વધતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્વીકૃતિ દર્શાવ્યું હતું. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ આ વર્ષની શરૂઆતમાં જ કર્મચારીઓની છટણી કરવાની આગાહી આપી હતી.






Leave a comment